દેશમાં કોવિડ-૧૯ના બેફામ સંક્રમણને પગલે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે વેરાકીય અનુપાલનની વિવિધ મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ દેશના લાખો કરદાતાઓને મોટી રાહત થઈ છે. નાણા મંત્રાલયે જારી કરેલા વિધિવત નિવેદનમાં જણાવ્યા મુજબ કરવેરાના અનુપાલન માટેની કેટલીક મુદત વધારી દેવાય છે. આ પગલું હાલ દેશમાં કોવિડથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે લેવાયું છે. આ રીટર્ન્સ ભરવાની મુદત આ પહેલાં ૩૧ માર્ચ, ૨૦૨૧ની હતી. એટલે હવે વર્ષ ૨૦૨૦-૨૧ની આકારણી માટે આવકવેરા કાયદાની કલમ ૧૩૯ની પેટા કલમ (૪) હેઠળ ભરવાનું રહેતું રીટર્ન તેમજ પેટાકલમ (૫) હેઠળ ભરવાનું રહેતું સુધારેલું રીટર્ન ૩૧મે, ૨૦૨૧ સુધીમાં કોઈપણ નાગરિક દ્વારા ભરી શકાશે. જયારે આવકવેરા કાયદા હેઠળ નિયમોના પાલન માટે મુદતો અગાઉથી નક્કી થતી હોય છે. કાયદાની કલમ ૧૯૪( આઇએ), કલમ ૧૯૪ (આઇબી) અને કલમ ૧૯૪ (એમ) કપાત કરેલા ટેક્સની ચુકવણી અને આવી કરકપાત માટે ચલણ- કમ સ્ટેટમેન્ટ રજૂ કરવાની મુદત આવકવેરા નિયમ -૩૦ હેઠળ ૩૧મે કરી દેવાય છે. આ માટે અરજદારે ફોર્મ-૬૦માં મળેલા ડેક્લેરેશનની વિગતો સાથે ફોર્મ ૬૧માં રજૂ કરવાનું રહેતું નિવેદન પણ ૩૧મે સુધીમાં રજૂ કરી શકાશે.
આ નિર્ણય સુપ્રીમ કોર્ટે ૨૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ આપેલા આદેશને અનુરૂપ છે. કાયદાની ૧૪૪(સી) હેઠળ ડીઆરપી (ડિસપ્યુટ રીઝોલ્યુશન પેનલ)ને કરવાની વાંધા અરજી કરવાની છેલ્લી મુદતમાં પણ ફેરફાર કરાયો છે. જે ૧ એપ્રિલને બદલે હવે ૩૧મે ૨૦૨૧ સુધીમાં કરી શકાશે. અરજદાર નવા નોટીફિકેશ પછી હવે આવક વેરા અધિનિયમના ચેપ્ટર ૨૦ હેઠળ કલમમાં દર્શાવેલી મુદત કે પછી ૩૧ મે ૨૦૨૧ એમ બેમાંથી જે મુદત લાંબી હશે ત્યાં સુધીમાં કમિશનરને અપીલ કરી શકશે. સામાન્ય સંજોગોમાં આ માટે અરજી કરવાની મુદત ૧ એપ્રિલ ૨૦૨૧ હોય છે. 2021માં પણ તે તારીખ યથાવત હતી. પરંતુ સરકારે કોવિડને કારણે આવેલા સંકટની સ્થિતિમાં ઘણાં ફેરફારો કરવા પડયા છે.