દુનિયાના અનેક દેશમાં કોવિડના નવા નવા વેરીઅન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. યુરોપના કેટલાક દેશમાં પ્રતિબંધોની શરુઆત થયા બાદ હવે સંયુક્ત આરબ અમીરાતે તેના નાગરિકો પણ આંતર રાષ્ટ્રીય પ્રવાસ પર પાબંધી લગાવી છે. શુક્રવારે યુએઈ સરકારે આ અંગે જાહેરાત કરતા કહ્યું હતુ કે, COVID-19 રોગચાળો ફરી વખત મોટાપાયે ઉપાડો લે તેવી શકયતા વધી છે. તેથી તેને ફેલાતો અટકાવવો આવશ્યક છે. યુએઈમાં ગુરુવારે કોવિડના 1675 નવા કેસ અહીં મળી આવ્યા હતા. જયારે 24 કલાકમાં આઠ કોવિડ દર્દીના મોત થયા હતા. અહીં 1 જુલાઇએ કોરોનાના કુલ કેસ છ લાખ 34 હજાર 582 લાખ હતા અને 1819 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
આથી જ યુએઈ પોતાના નાગરિકોની સલામતી ઈચ્છે છે અને ભારત અને પાકિસ્તાન સહિતના 14 દેશોની યાત્રા ઉપર હાલ પ્રતિબંધ રહેશે. UAEના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલય તથા નેશનલ ઇમરજન્સી કટોકટી તથા આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે, યુએઈના નાગરિકો હવે આગામી કોઈ જાહેરાત નહીં થાય ત્યાં સુધી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેતનામ, નામિબીયા, ઝામ્બીઆ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, સીએરા લિયોન, લાઇબેરિયા, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરીયા જઈ શકશે નહીં. આ પ્રતિબંધમાંથી યુએઈના રાજદ્વારી મિશન, કટોકટીની બાબતો, સત્તાવાર પ્રતિનિધિઓ અને પહેલેથી જ અધિકૃત વેપાર અને ટેકનીકી પ્રતિનિધિઓને છુટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડેલ્ટા પ્લસ અને આલ્ફા નામના કોવિડના નવા વેરીઅન્ટે દુનિયાના અનેક દેશમાં હાજરી નોંધાવી છે. કોવિડનો મ્યુટેન્ટ થયેલા આ વાયરસ વધુ જોખમી હોવાનો દાવો તબીબો કરી ચુક્યા છે. આવા સંજોગોમાં યુએઈ દ્વારા દેશના લોકોના આરોગ્ય સલામતી માટે આ મહત્વનો અને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.