કોરોનાના કેર વચ્ચે પણ આઈપીએલ 2021 લીગ મેચોનું આયોજન ચાલી રહ્યું છે. આઇપીએલની 12 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ તે માટે વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. 26મી એપ્રિલથી અમદાવાદ ખાતે શરુ થનારી લીગ મેચો અંગે ક્રિકેટ રસીયાઓ પણ ઉત્સુક છે. હવે 24 એપ્રિલથી જુદી જુદી ટીમ અમદાવાદ આવી પહોંચશે. જે બાદ તે 8 લીગ મેચો અને 4 નોકઆઉટ મેચમાં ભાગ લેશે. જેમા ફાઇનલ, સેમિફાઇનલ સહિતની 4 નોકઆઉટ મેચ પણ રમાશે. આ વર્ષે આ મેચના આયોજનને લઈને લોકોમાં કચવાટ પણ છે. જો કે, ક્રિકેટનો ક્રેઝ તથા હવે ધંધાદારી આયોજનો હોવાથી ક્રિકટ બોર્ડ પણ કોઈ બાંધછોડ કરવા માંગતુ નથી. હાલ અમદાવાદમાં ફરીવાર ક્રિકેટ કાર્નિવલની તૈયારી શરુ કરાઈ છે.
જો કે, આ મેચને પ્રત્યક્ષ જોવાની મંજૂરી અપાશે નહીં, કારણ કે, કોરોના વાયરસનું સંક્રમણ અત્યારે ગુજરાતમાં પણ ચરમસીમાએ છે. આ પહેલાં ગત મહિને પ્રેક્ષકોને મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ અપાયો હતો. જે પછીથી અમદાવાદ શહેરમાં ફાટી નીકળેલો કોરોનાના કેસનો રાફડો હજી યથાવત છે. આ વખતે ત્રણ મેચમાં ત્રણ વિજય સાથે આત્મવિશ્વાસથી ભરપૂર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ઉતરશે. બંને ટીમોએ જીત માટે તૈયારી શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે.બેંગ્લોરે મુંબઇ ઇન્ડિયન્સ, હૈદરાબાદ તથા કોલકાતાને પછડાટ આપી અત્યાર સુધીમાં શાનદાર દેખાવ કર્યો છે. જયારે રાજસ્થાનની ટીમે ત્રણ મેચમાં માત્ર એક જ વિજય હાંસલ કર્યો છે. રાજસ્થાનની ટીમ એક યૂનિટ તરીકે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે.’