વોટ્સએપ અને ફેસબુક નવા નવા આવ્યા ત્યારે તેના ઉપયોગ વિશે એક મિત્રે બહુ સરસ જવાબ આપ્યો હતો, માત્ર એક જ શબ્દમાં તેણે કહ્યું હતું કે વોટ્સએપ અને ફેસબુક એટલે પંચાત. થોડા સમય બાદ એમ લાગ્યું કે એ મિત્ર જરા વધારે આકરી ભાષામાં સમજાવી રહ્યો હતો કેમ કે આ માધ્યમથી તો સંદેશાની આપ-લે સરળતાથી થાય છે પણ આજે તેનો અતિરેક જોતાં એ મિત્ર સાચો લાગે છે. સોશિયલ મીડિયાનો જરૂર છે ત્યાં પર્યાપ્ત ઉપયોગ થતો નથી પણ બિનજરૂરી ઉપયોગ 24 કલાક થતો રહે છે અને તેમાં પંચાતથી વિશેષ કાંઈ હોતું નથી.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્માએ તાજેતરમાં જ પુત્રીને જન્મ આપ્યો અને જે રીતે સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાઈ ગયા તે તો અપેક્ષિત હતું પરંતુ વાત આટલેથી અટકી ગઈ હોત તો વાંધો ન હતો અથવા તો વાત આટલેથી અટકી જવી જરૂરી હતી પણ તેમ બન્યું નહીં અને પંચાતનો સિલસિલ શરૂ થયો.
અહીં સવાલ એ છે કે કોઈ પણ હસ્તીના અંગત જીવન વિશે આટલા મોટા પાયે ચર્ચા જરૂરી છે ખરી. વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર જે પરફોર્મ કરે છે તેના વિશે બેશક આખો દિવસ ચર્ચા કરો. એક ક્રિકેટર તરીકે કોહલીને તમે ગમે તેટલી સલાહ આપો. તમે સલાહ આપવાને લાયક છો કે નહીં તેની ચિંતા કર્યા વિના સલાહ આપતા રહો પણ એક દિકરીના પિતા (કે માતાપિતા) વિરાટ કોહલીને તમારે સલાહ આપવાની જરૂર નથી.
બે દિવસના બાળકના માતા પિતા પોતાના સંતાનને ભવિષ્યમાં ક્રિકેટર કે બોલિવૂડના કલાકાર બનાવવાના સ્વપ્ન સેવી શકે છે પણ તેના ફેન્સ અત્યારથી નક્કી કરી લે કે વિરાટ કોહલીની પુત્રી ભવિષ્યમાં ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન હાંસલ કરશે અથવા તો અનુષ્કા અને વિરાટની દિકરી ભવિષ્યમાં બોલિવૂડની હિરોઇન બની જશે. આ જરા વધુ પડતું લાગે છે. આખરે શા માટે આવી સલાહ આપવી પડે. કોહલી ભારતનો સુપર સ્ટાર ક્રિકેટર છે અને અનુષ્કા લોકપ્રિય અભિનેત્રી છે પણ તેમના અંગત જીવનનમાં માથું મારવાની કોઈને જરૂર નથી. આ પારકી પંચાતથી દૂર રહેવાની જરૂર છે.
આટલું પૂરતું ન હોય તેમ કેટલાક ઉત્સાહીઓએ તો ભારતીય ક્રિકેટર્સમાંથી કોને ત્યાં પુત્રી છે અને કોને ત્યાં પુત્ર છે તેની યાદી તૈયાર કરીને ભવિષ્યની ભારતીય મહિલા ટીમ પણ બનાવી નાખી. સૌરવ ગાંગુલી, મહેન્દ્રસિંહ ધોની અને હવે કોહલીને ત્યાં પુત્રીનો જન્મ થયો છે જેના પરથી ભવિષ્યની ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાનીની વરણી પણ અત્યારથી કરી દેવામાં આવી છે. ભવિષ્યમાં ધોનીની દિકરી કેપ્ટન બનશે અને ત્યાર બાદ આ હવાલો કોહલીની પુત્રીને સોંપવામાં આવશે. આ દરમિયાન ટીમમાં રવીન્દ્ર જાડેજા, રહાણે, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિનની પુત્રીઓ પણ રમતી હશે.
આ તમામ ક્રિકેટરે ભારતીય ક્રિકેટની ઘણી સેવા કરી છે અને તેમના સંતાનો પણ ભવિષ્યમાં ક્રિકેટ રમે આનંદ થાય પણ અત્યારથી તેમના ભવિષ્યની ચર્ચ જ અસ્થાને છે. જે સોશિયલ મીડિયાએ શરૂ કરી દીધી છે. કોઈ પણ ખેલાડી ટીમમાં ટકી રહેવા અને દેશનુ ગૌરવ વધારવા માટે કેટલો સંઘર્ષ કરે છે તેની ક્યાંય ચર્ચા થતી નથી પણ ટીમ હારી જાય ત્યારે તેમની આકરી ટીકા થતી રહે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ છેલ્લા દિવસે લગભગ બે કલાક બેટિંગ કરીને ભારતને બચાવી લીધું હતું. આ જ અરસામાં અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણને લખ્યું હતું કે તે દિવસે અશ્વિન કેવા સંજોગોમાં બેટિંગ કરી હતી. તેણે હૃદયસ્પર્શી વાત કરી હતી. સામાન્ય રીતે તબિયત સારી ન હોય તો અન્ય નોકરિયાત કે બિઝનેસમેન રજા લઈ લેતો હોય છે પણ ક્રિકેટર આમ કરી શકતો નથી. મેચના પાંચમા દિવસની આગલી રાતે અશ્વિન આખી રાત પીઠના દુખાવાને કારણે કણસતો રહ્યો હતો. તે શાંતિથી સૂઈ શક્યો ન હતો એટલું જ નહીં પણ બેસી પણ શક્યો ન હતો.
મેદાન પર ગયા બાદ પણ અશ્વિને ડ્રેસિંગ રૂમ કે પ્લેયર્સ એરિયામાં બેસવાને બદલે ઉભા જ રહેવાનું પસંદ કર્યું હતું. રિશભ પંત અને ચેતેશ્વર પૂજારા બેટિંગ કરતા હતા તે દરમિયાન અશ્વિન અન્ય સાથી ખેલાડીઓની સાથે ખુરશી પર બેસવાને બદલે તેની જગ્યાએ ઉભો જ રહ્યો હતો કેમ કે તેને ડર હતો કે એક વાર તે બેસી જશે પછી તેને ફરીથી ઉભા થવામાં કે ચાલવામાં તકલીફ પડશે.
આમ છતાં ભારે સંઘર્ષ કરીને અશ્વિને ભારત માટે મેચ બચાવી લીધી હતી. આમ છતાં અશ્વિનના આ સંઘર્ષનો ભાગ્યે જ ક્યાંય ઉલ્લેખ થયો છે. તેને બદલે અશ્વિનને બે દિકરી છે અને ભવિષ્યમાં તેમાંથી એક પુત્રીને તેણે ક્રિકેટર બનાવવી જોઇએ જ્યારે બીજીએ સાઉથની ફિલ્મોમાં કામ કરવું જોઇએ તેવી વાહિયાત વાતો સોશિયલ મીડિયા પર થતી રહે છે જે ખરેખર તો જે તે ખેલાડી માટે અપમાનજનક લેખાશે.
આવુ જ કાંઇક ટીવી પર ચાલી રહ્યું છે. ખાસ કરીને હિન્દીમાં કોમેન્ટરી આપનારા મહાશયો એટલા બધા ઉત્સાહમાં આવી જતા હોય છે કે તેઓ સમય,કાળ કે ભાષાનું ભાન ભૂલી જાય છે. તેમણે શું બોલવું જોઇએ અથવા તો એક કોમેન્ટેટર પાસેથી કેવી અપેક્ષા રખાય છે તેનું તો તેમને ભાન જ રહેતું નથી.
ભારત સામે આવી પડેલો ટારગેટ ચેઝ કરવો મુશ્કિલ તો નહીં લૈકીન ટફ જરૂર હૈ આ વાક્યમાં તે કેટલા શબ્દ હિન્દીમાં બોલ્યો અને કેટલા અંગ્રેજીમાં તે તો ઠીક પણ મુશ્કિલ અને ટફના અર્થની પણ તેઓ દરકાર કરતા નથી અને ખેલાડીએ ટેકનિકલી કેવી રીતે રમવું તેની સલાહ આપતા હોય છે.
અગાઉ પાનના ગલ્લે જે ચર્ચાઓ થતી હતી તે વાહિયાત લાગતી હતી પરંતુ હવે સ્ટુડિયોમાં બેસીને કોમેન્ટેટર જે રીતે ચર્ચા કરતા હોય છે તેમાં ક્રિકેટની બારીકીઓ સિવાય તમામ મુદ્દે ચર્ચા (પંચાત) ચાલતી હોય છે. આઇપીએલ અગાઉ એક મહાશય વાત કરતા હતા કે આ વખતે આઇપીએલમાં આઠમાંથી એક ટીમ ટાઇટલ જીતવાનો પ્રયાસ નહીં કરે અને બાકીની સાત ટીમ ટાઇટલ માટે પુષ્કળ મહેનત કરશે. થોડી વાર બાદ મહાશયે ખુલાસો કર્યો કે મુંબઈ ઇન્ડિયન્સ ટાઇટલ જીતવાનો પ્રયાસ નહીં કરે કેમ કે તેની પાસે તો અગાઉથી જ ટાઇટલ છે એટલે તે તો ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરશે. આવી વાહિયાત વાતો કરીને આખરે દેશના કરોડો ક્રિકેટપ્રેમીને છેતરવામાં આવતા હોય તેમ લાગે છે.