ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલનને પગલે કેટલાક રાજ્યોમાં વેપાર ધંધાને માઠી અસર થઈ છે. મોદી સરકારે બહુમતિના જોરે પસાર કરેલા 3 નવા કૃષિ કાયદાને કારણે ઉઠેલો ભડકો હજી શાંત થયો નથી. 51 દિવસથી દિલ્હી સરહદે અડીંગો જમાવી બેઠેલા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખતા સરકારની ફજેતી થઈ રહી છે. આવા સંજોગોમાં આ આંદોલનના પડઘા દેશા પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં પણ પડ્યા છે. આ કાયદાથી મોદી સરકાર પ્રાઈવેટ કંપનીઓનું ભલુ કરવા જઈ રહ્યાનો આક્ષેપ ખેડૂતો કરતા રહ્યા છે. તેથી હવે પ્રાઈવેટ કંપનીઓ પણ ખેડૂતોના રોષનો ભોગ બની રહી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, વોલમાર્ટ જેવી કંપનીના વેપારને મોટી અસર થઈ છે. કિસાનોના રોષને કારણે આ કંપનીઓને દેશમાં અનેક સ્થળોએ પોતાના સ્ટોર બંધ કરવાની નોબત આવી છે. જેને કારણે કંપનીઓને કરોડો રૂપિયાનો ફટકો પડી ચુક્યો છે. મળતા અહેવાલો મુજબ પંજાબમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અડધાથી વધારે એટલે કે, 100 સ્ટોર ઓક્ટોબરથી બંધ કરી દેવાયા છે. જ્યારે વોલમાર્ટને પણ પોતાના 50,000 વર્ગ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલા એક મોટા સ્ટોરને બંધ કરવો પડતા ધંધો ઠપ થયો છે.
પંજાબના ખેડૂતો આ કાયદાનો સખત વિરોધ કરી રહ્યા હોવાથી કંપનીઓને પોતાના સ્ટોરમાં તોડફોડ થવાનો ડર સતાવી રહ્યો છે. ખેડૂતો દરરોજ વોલમાર્ટની બહાર ધરણા કરી રહ્યા છે. તેઓ દિવસે કોઇને સ્ટોરમાં અંદર જવા દેતા નથી. આ સ્ટોરમાં લગભગ 250 લોકો નોકરી કરે છે. કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોમાં મોટાભાગના પંજાબના છે. ખેડૂતોના ઘણા નેતા પંજાબ અને હરિયાણાના છે. તેથી આંદોલનની સૌથી વધુ અસર પણ હરિયાણા, પંજાબ, દિલ્હી તથા ઉત્તરપ્રદેશમાં વર્તાય રહી છે. વધુમાં કેટલાક રાજ્યોમાં રિલાયન્સના સ્ટોર બંધ રહેતા કંપનીને થયેલા નુકસાનનો અંદાજો મંડાય રહ્યો છે. દેશમાં વોલમાર્ટના આ પ્રકારના 29 સ્ટોર છે. જેમાંથી અનેક સ્ટોરને બંધ કરવા પડતાં કંપનીને 59 કરોડનું નુક્સાન થયાનો અંદાજો છે. ડેમોક્રેટિક ફાર્મર્સ યૂનિયનના કુલવંત સિંહ સંધૂએ કહ્યું હતુ કે, રિલાયન્સ વિરૂદ્ધ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. અન્ય ખેડૂત નેતા જગતાર સિંહે કહ્યું કે, સરકાર જ્યાં સુધી આ કાયદાને પરત નહીં ખેંચે ત્યાં સુધી તેઓ રિલાયન્સનો વિરોધ ચાલુ રાખશે.