હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું… કાપજે રે જી………
માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….
કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
– દુલા ભાયા ‘કાગ’
વર્ષો પહેલાં કવિ દુલા ભાયા ‘કાગ’ આ પંક્તિઓ લખી ગયા. એમના વિશે લખવું એટલે સૂર્યને આયનો બતાવવા જેવું છે. આ પંક્તિઓ વિશે લખવાનું કારણ એટલું જ કે આજે જ્યારે એવું સાંભળવા મળે છે કે સંતાનો એમનાં મા બાપનું, ઓફિસમાં સ્ટાફ તેમના ઉપરીનું, સગાં સબંધી એક બીજાનું સાંભળતા નથી અથવા માન આપતા નથી. એવાં સમયે કવિની આ પંક્તિઓ સમજવા જેવી છે. અત્યારે મેનર્સ, કર્ટસી વગેરેના ક્લાસ ચાલે છે અને તેમાં લોકો હોંશે હોંશે જોડાય છે . ગર્વથી આ વાત કરવામાં આવે છે. પરંતુ જો ઘરમાં જ રીતિ નીતિ હોય તો બાળક તે જોતાં જોતાં શીખી જાય છે. બાળકો જેવું જુએ છે એવું શીખતા હોય છે. છેવટે તો ઘર પર જ બધો આધાર હોય છે. પછીથી શાળાનો વારો આવે છે. ઘર પછી સૌથી વધુ બાળક શાળામાંથી શીખે છે. ત્યાં પણ શિક્ષકો પર ઘણો આધાર હોય છે.
થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં કવિ કાગની આ પંક્તિઓ મળી. 8-10 વાર વાંચી ગયો. મન ચકરાવે ચઢ્યું. મિત્રો, સાથીઓ, સગાં સબંધી વગેરે અલગ અલગ કારણસર આપણને મળવા આવતા હોય છે. મોટા ભાગે આપણે ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલેથી કોઈના પણ માટે એક પૂર્વગ્રહ ઊભો કરી દેતા હોઈએ છીએ. સામેવાળી વ્યક્તિ શા માટે અને કેવાં સંજોગોમાં આપણી પાસે આવી છે એ વિચારતા નથી. કવિ તો પહેલી પંક્તિમાં જ કહે છે કે કોઈ તારું આંગણું પૂછીને આવે તો તેને મીઠો આવકાર આપજે. આપણા ઘરે કોઈ આવે ત્યારે જે તે વ્યક્તિને જોઈ આપણો આવકાર નક્કી થાય છે. ગમતી વ્યક્તિ હોય કે કોઈ મહાનુભાવ હોય તો અલગ આવકાર અને આપણી અણગમતી વ્યક્તિ હોય તો અલગ આવકાર. ત્યારપછી કવિ કહે છે કે આવનાર વ્યક્તિ કદાચ પોતાનું સંકટ જણાવવા આવી હોય તો ત્યારે આપણે એને શાંતિથી સાંભળવાની છે અને શક્ય હોય તો તેને મદદ કરવાની છે.
પણ આપણને પહેલો સવાલ એવો થાય છે કે આ શા માટે આવ્યો હશે ? પૈસા માગવા, કોઈ વસ્તુ માગવા? અનેક શંકા કુશંકા કરીએ છીએ આવનારનો હેતુ જાણ્યા વિના. ઘણીવાર એવું પણ બને કે વ્યક્તિ પોતાના હ્રદયનો ભાર હળવો કરવા પણ આવી હોય. એને કશું જોઈતું ના હોય. માત્ર એની વાત કોઈ સાંભળે એટલી જ અપેક્ષા હોય. એટલે જ કવિ કહે છે કે શા માટે આવ્યો એ પૂછવાના બદલે એને જ બોલવા દો. એ બોલે ત્યારે શું કરવું? એની વાત શાંતિથી સાંભળવી. આડું જોવું નહીં, એની વાતમાં હોંકારો પૂરવો. આથી તેને લાગે કે સામેવાળી વ્યક્તિ એને ધ્યાનથી સાંભળે છે. એક પ્રકારે સહાનુભૂતિ ઊભી થાય છે. મેનેજમેન્ટ ગુરુ પણ કહે છે કે લીડરમાં સાંભળવાનો ગુણ પણ હોવો જોઈએ.
ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે કોઈને વાત કરીએ તો એ આડું જોઈ જાય અથવા એના કામમાં જ વ્યસ્ત હોય. હવે તો કમ્પ્યુટર, ફોન આવી ગયાં છે. આપણને મળવા આવનાર વાત કરતો હોય અને સામેવાળી વ્યક્તિ કમ્પ્યુટર કે ફોનમાં મોં ઘાલીને બેઠી હોય. અત્યારે તો ફોનનો જમાનો છે. કોઈને ફોન કરીએ તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પાંચ જ મિનિટમાં વળતો ફોન કરું છું. જોકે એ પાંચ મિનિટ ક્યારેય આવતી નથી. મતલબ ફોન પર વાત કરવાનું પણ આપણે ટાળીએ છીએ. સોશિયલ મીડિયા દ્વારા સંદેશો મોકલીએ તો એ પણ ઘણીવાર જોતાં નથી. એ માટે પણ ફોન કરવો પડે છે કે સંદેશો જોઈ લેજો.
કોઈ વાર તો ફોન કરીએ અને સામેથી પૂછે કે બોલને શું હતું ? અથવા શું કામ હતું ? મતલબ કોઈને ખાલી ફોન પણ ના કરાય. એવું જ માની લેવામાં આવે છે કે કંઈ કામ હોય તો જ ફોન કર્યો હશે. યાદ કરો કે તમે તમારા મિત્ર, સગાં સબંધી, સાથીને અમસ્તો, કંઈ પણ કામ વગર ફોન કર્યો છે ? આમ તો દરેક ઘરમાં એવો રિવાજ હોય છે કે કોઈ આવે તો તેને સૌથી પહેલાં પાણી ધરવું. કેટલીકવાર આપણે આ વિવેક પણ ચૂકી જતાં હોઈએ છીએ. પૂર્વગ્રહ મનનો એટલો બધો કબજો લઈ લે છે કે આટલો સાદો વિવેક પણ કરી શકતા નથી. કવિ કાગ તો ત્યાં સુધી કહે છે કે આવનારની સાથે બેસીને ખાજે. મતલબ વ્યક્તિને સંકોચ ના થાય, તેને આપણાપણું લાગે એ માટે આ કહેવાયું છે. આજે હાલત એવી છે કે ઘરના દરેક સભ્યો અલગ અલગ જમે છે એટલું જ નહીં દરેકની રસોઇ પણ અલગ બને છે.
છેલ્લે સૌથી અગત્યની વાત આવે છે કે આપણા ઘરે કોઈ આવે અને પાછો જતો હોય ત્યારે તેને ઝાંપા સુધી મૂકવા જજે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘરની વડીલ વ્યક્તિ જતી વખતે દરવાજા સુધી મૂકવા આવે ત્યારે આપણે ગદગદ થઈ જતા હોઈએ છીએ. આપણને આવું ગમતું પણ હોય છે. કાગ કહે છે કે વ્યક્તિ તરફ લાગણી દર્શાવવા આ જરૂરી છે. ક્યાંક ગયા હોઈએ અને જ્યારે કોઈ આવો ભાવ બતાવે તો બીજાને કહીએ છીએ ખરાં કે ફલાણી વ્યક્તિ મને છેક સુધી મૂકવા આવી પણ આપણે તેમાંથી શીખતા નથી.
પ્રારંભમાં કહ્યું તેમ આ આપણા સંસ્કાર છે. સંસ્કૃતિ છે. એ માટે બહાર શીખવા જવાની જરૂર જ નથી. સદીઓથી આ ચાલ્યું આવે છે. આજે ઘરોમાં બાળકો આ જોતાં નથી કારણ કે ઘરના મોભી જ આવું કંઈ કરતાં નથી. એટલે સંતાનોને એટીકેટ, મેનર્સ શીખવા બહાર મોકલવા પડે છે. આ બધું ઈન બિલ્ટ જ હોય છે. બસ, થોડું ફંફોસવું પડે છે. કવિ દુલા ભાયા વર્ષો પહેલાં આટલી સાદી વાત કહી ગયા છે. આપણે માત્ર તેને અનુસરવાની જરૂર છે. ક્યાંય બહાર જવાની જરૂર નથી. બધું આપણી આસપાસ જ છે. દ્રષ્ટિની જરૂર છે.
– લલિત દેસાઈ