એમ તો હજુ ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કરફ્યુનો અમલ ચાલુ છે. હા, હવે એક કલાક મોડો કરફ્યુ શરૂ થશે. પહેલાં રાત્રે 8 વાગ્યે કરફ્યુ લાગી જતો હતો, પરંતુ આજથી તે રાત્રે 9 વાગ્યે શરૂ થશે. પરંતુ એ કરફ્યુનો અમલ કરાવવા માટે સામાન્ય પ્રજા ઉપર કડક બનતી સુરત પોલીસે સિંગણપોર ખાતેના ફાર્મહાઉસમાં પીઆઇનો વિદા. સમારોહ યોજવા માટે કરફ્યુની ઐસી કી તૈસી કરી નાંખી !
એમ તો રાજકિય સભાઓમાં પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના કાયદાનો ચીંથરેચીંથરા ઉડી જતા હોય છે. હવે પોલીસે પણ કોવિડ ગાઇડલાઇનના લીરેલીરા કરી નાંખ્યાનો બનાવ સુરતમાં નોંધાયો છે. સુરતમાં સિંગણપોરના પીઆઇનો વિદાય સમારોહ રાત્રે 9 વાગ્યા પછી યોજવામાં આવ્યો હતો. સુરતમાં 8 વાગ્યે કરફ્યુનો અમલ થયો હતો, છતાં એ પછી પણ આ સમારોહ યોજાયાના ફોટા સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. આપના પ્રવક્તા યોગેશ જાધવાણીએ આ ફોટા સોશ્યલ મીડિયા પર મૂકીને પોલીસના આ સમારોહ સામે કેમ નિયમો લાગુ કરાતા નથી, એવો સવાલ પૂછ્યો હતો.
સુરતના એક ફાર્મ હાઉસમાં સિંગણપોરના પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જમણવાર પણ યોજાયો હતો. એક તો કરફ્યનો અમલનો ભંગ કરીને યોજાયેલા આ સમારોહમાં સોશ્યલ ડિસ્ટન્સ ક્યાંય જળવાતું હોય એવું નજરે પડતું ન હતું. કોરોના ગાઇડલાઇન હેઠળના નિયમોનો પણ સરિયામ ભંગ થયેલો જણાતો હતો. કાયદાનો અમલ જેમણે કરવાનો છે, એ પોલીસે જ તેનો ભંગ કર્યો હતો. સિંગણપોરના કુમકુમ ફાર્મ હાઉસનો સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. આપના પ્રવક્તા યોગેશ જાધવાણીએ જણાવ્યું હતું કે, સિંગણપોર પોલીસ મથકના પીઆઇ સલૈયાની બદલી સુરક શહેરમાં જ બીજા એક પોલીસ મથકે થઇ હતી. બુધવારે તેમના માનમાં ડભોલી ખાતેના એક ફાર્મ હાઉસમાં વિદાય સમારોહ યોજાયો હતો. જાધવાણીએ જણાવ્યું હતું કે જે ફોટા વાઇરલ થયા છે, એ રાત્રીના 9 પછીના છે. મતલબ કે કરફ્યુના અમલની જેમની જવાબદારી છે, એ પોલીસે જ કરફ્યુનો ભંગ કર્યો હતો. એ સાથે જ આ વિદાય સમારોહ ભારે વિવાદાસ્પદ બન્યો હતો.