ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા ખાતે આવેલી યાર્ન ઉત્પાદન કરતી કંપનીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કંપનીના કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોનો ખુલાસો થયો છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી રેઇડ દરમિયાન કંપની રૂ. 380 કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ કંપનીની દહેજ અને દિલ્હી સ્થિત કોર્પોરેટ ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગે રેઇડ પાડીને સર્ચની કામગીરી કરી હતી. આ રેઇડ દરમિયાન કંપનીના રૂ.380 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા બાદ આઇટી વિભાગે કાર્યવાહી આરંભી દીધી છે.
રેઇડમાં સામે આવ્યું છે કે કંપનીએ શેલ કંપનીઓના શેર પ્રીમિયમ થકી રૂ. 40 કરોડ કંપની ચોપડે દર્શાવવામાં આવ્યા હતા. તેમજ આંગડિયા મારફતે રોકડની હેરાફેરી અને રૂ.154 કરોડની બોગસ ખરીદી કરી હોવાના પુરાવા ઇન્કમ ટેક્સ વિભાગને મળ્યા હતા. આઈટીએ કંપની સંચાલકો પાસેથી બિનહિસાબી દાગીના પણ જપ્ત કર્યા છે અને 11 બેન્ક લોકર સિલ કરીને વધુ તપાસ કરી છે.