કોરોના મહામારી દરમિયાન દર મહિને નવા નવા સંશોધનો બહાર આવતા રહે છે. આજે ભારતમાં દરરોજ કોરોનાના સરેરાશ 4 લાખ કેસ નોંધાઈ રહ્યા છે. સંક્રમણની આ ગતિને રોકવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ પ્રયાસો કરી રહ્યા છે. સરકાર લોકોને કોરોનાની ચેઈન અટકાવવા ટેસ્ટિંગ માટે વિશેષ અપીલ કરી રહી છે. તેથી કેટલાક લોકો સીટીસ્કેનના માધ્યમથી કોરોનાનું પરિક્ષણ કરાવી રહ્યા છે. જો કે, આ પદ્ધિતિ પણ અનેક માટે નુકસાનકારક નીવડી શકે છે તેવું તારણ એક અભ્યાસમાં બહાર આવ્યું છે. કોરોનાની નવી લહેર સાથે જ શરુ કરાયેલા અભ્યાસમા સંક્રમણ વિશે છણાવટ કરાઈ છે.
કેટલાક લક્ષણો કે સેમ્પલોના ટેસ્ટ આરટી-પીસીઆર ટેસ્ટમાં નથી થતા. તેથી દર્દીઓએ સિટી સ્કેન (CT-SCAN) કરાવવું પડે છે. અત્યાર સુધી સરકાર તો આરટીપીસીઆર તથા એન્ટિજન ટેસ્ટને મહત્વ આપે છે. પરંતુ વધુ ચોકસાઈ સાથે પરિક્ષણ કરવું હોય તો સીટીસ્કેન ઉત્તમ પદ્ધતિ હોવાનું તબીબો અને જાગૃત નાગરિકો માને છે. અત્યાર સુધી દેશમાં કોરોનાની પૃષ્ટિ અંગે કરોડો લોકોએ આ પદ્ધતિ અપનાવી છે.
ત્યારે તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારું તારણ આવ્યું છે. એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપતા કહ્યું છે કે, દરેક વખતે સિટી સ્કેનનો ઉપયોગ કરવો જરુરી નથી, ઉપરાંત દરેક નાગરિક આ જ રસ્તો અપનાવે તે પણ આવશ્યક નથી. સોમવારે આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં ગુલેરિયાએ વધુમાં કહ્યું હતુ કે, સીટી સ્કેન ત્રણસો એક્સ-રે સમાન છે, તે ખૂબ નુકસાનકારક છે. સામાન્ય લક્ષણો હોય તો અન્ય પદ્ધતિથી તેનું નિદાન અને સારવાર કરાવવું યોગ્ય અને હિતાવહ છે. ઘરમાં આઈસોલેશનમાં રહેતા લોકો તેમના ડોક્ટરનો સંપર્ક કરતા રહીને સારવાર કરે. બેહોસી જેવી પરિસ્થિતિ હોય, છાતીમાં દુખાવો થઈ રહ્યો હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. વધુ અસરગ્રસ્ત રાજ્યો સિવાય કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ રાજ્યો છે આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાલય છે. દિલ્હી અને મધ્યપ્રદેશમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ રિકવરી રેટમાં પણ સુધારો થઈ રહ્યો છે. 2 મેના રોજ દર 78 ટકા હતો, જે 3 મેના રોજ તે 82 ટકાએ પહોંચી ગયો હતો. કોરોના મૃત્યુ દર લગભગ 1.10 ટકા છે.