દ.ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીકાર(જામલાપાડા) ગામેં ડાંગ બચાવો, જંગલ બચાવો, ડેમ હટાવોના નારા સાથે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.. પાર- તાપી -નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં સાત જેટલા નવા ડેમો બનવા જઈ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનાવવામાં આવશે. આદિવાસી સમાજના તમામ સંગઠનો અને વઘઇ તાલુકાના તમામ સામાજિક આગેવાનો સાથે ડુબાણમાં જતા ચીકાર ગામે એક બેઠક રાખવામાં આવી હતી.
આ બેઠકમાં તમામ ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે અસરગ્રસ્ત જાહેર થાય તેવી સંભાવના છે. આ બેઠકમાં વાંસદા-ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે તાપી-પાર -નર્મદા લિંક રિવર પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસી ગામો ડુબાણમાં જવાના છે તેમજ પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થશે. ડાંગમાં બનનાર ડેમો માટે ડુબાણમાં જતા જંગલો બચાવવા માટે સંઘર્ષ કરીને પણ ડેમો બનવા દેવાશે નહિ.
ભરૂચથી આવેલા રાજ વસાવા એ જણાવ્યું હતું કે આદિવાસીઓના અસ્તિત્વનું નિકંદન કાઢવા આ સરકાર તત્પર બની છે. ડાંગને બીજું કેવડિયા બનતું અટકાવવા માટે આંદોલનો કરીશુ. આગેવાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે આપણા જળ-જંગલ-જમીન બચાવવા માટે સંગઠિત બનીને આ લડત ચલાવવી પડશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, ગમન ભોંયે, સૂર્યકાન્ત ગાવિત, સુનિલભાઈ, ચિરાગ ભાઈ, તુષાર કામળી, રાકેશ પવાર, શંકર ભાઈ સહિત મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા હતા.