સાત વખત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસને સાંસદના રૂમમાંથી ગુજરાતીમાં લખેલી 15 પાનાની એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. આ કેસ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે તપાસમાં ભાજપના ગણાતા દાદરાનગર હવેલી-દમણના પ્રસાશકનું નામ સુસાઇડ નોટમાં હોવાનું જણાવતા રાજકીય ખળભળાટ મચ્યો છે. સ્યુસાઇડ નોટમાં દાનહના બીજા કેટલાક મોટા અધિકારીઓના પણ નામ હોય આવનારા દિવસોમાં મુંબઇ પોલીસ સંઘ પ્રદેશના મોટા અધિકારીઓ સહીત પ્રસાશક પ્રફુલ પટેલની પૂછપરછ હાથ ધરી શકે તેવી સંભાવના છે.
ડેલકર આત્મહત્યા કેસમાં આધારભુત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રવિવારે દાદરાનગર હવેલીના 7 ટર્મ સુધી સાંસદ બનેલા મોહન ડેલકરે મરીન ડ્રાઈવ સ્થિત હોટેલ સી ગ્રીન સાઉથમાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનામાં કોલાબા પોલીસને હોટલના રૂમમાંથી મોહન ડેલકરના લેટર હેડ ઉપર 15 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી.પોલીસને પ્રાથમિક તપાસમાં સ્યુસાઇડ નોટમાં સાંસદ મોહન ડેલકરને ત્રાસ આપવા,હેરાનગતિ કરવા અને ખોટી કનડગત કરતા 35 થી 40 લોકોના નામ મળી આવ્યા હતા. આ લોકોના ત્રાસને કારણે મોહન ડેલકર છેલ્લા કેટલાક સમયથી ખૂબ પરેશાન રહેતા હતા. તેમણે તેને પગલે મુંબઈની હોટેલમાં આપઘાત કરી લીધો હતો.
હવે એ આત્મહત્યા કેસમાં પોલીસની પ્રાથમિક તપાસ સાથે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટો ઘટસ્ફોટ કર્યો છે કે સાંસદ મોહન ડેલકરના આપઘાત પાછળ દાદરાનગર -દમણ સંઘ પ્રદેશના ગવર્નરનું નામ સુસાઇડ નોટમાં મળી આવ્યું છે.
મુંબઈ કોંગ્રેસના પ્રવકતા સચિન સાવંતે આ મુદ્દે ઓનલાઇન ઝૂમ મિટિંગમાં મહારાષ્ટ્ર્ના ગૃહમંત્રી અનિલ દેશમુખને રજુઆત કરી હતી કે સાંસદ મોહન ડેલકરને સંઘ પ્રદેશના ગવર્નર પ્રફુલ પટેલ સહિત અન્યોએ ત્રાહિત કર્યા હતા. દાનહના અધિકારીઓ અને ગુંડાઓએ પણ સાંસદ ડેલકરને ત્રાસ -ધમકીઓ આપવા ઉપરાંત પરેશાન કર્યા હતા. ઉપરાંત તેમને ખોટા કેસો કરવા અને અપમાનિત કરવામાં આવતા હતા. વધુમાં સાવંતે પ્રફૂલ પટેલ મોહન ડેલકરને ભાજપમાં જોડાવા માટે દબાણ કરતા હતા, તેથી ભારતીય જનતા પાર્ટીના ઇન્વોલ્વમેન્ટ બાબતે મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલય મારફતે તાત્કાલિક તપાસના આદેશ કરવામાં આવે એવી રજુઆત કરી હતી.
ઝૂમ મીટીંગમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે, મોહન ડેલકર જેવા દમદાર નેતા આત્મહત્યા કરે તે ખુબ જ ગંભીર બાબત કહેવાય. મોહન ડેલકરે સ્યુસાઇડ નોટમાં સંઘ પ્રદેશના એસપી ,કલેક્ટર તેમજ પ્રસાશક પ્રફુલ પટેલનો ઉલ્લેખ કર્યો છે. દેશમુખે જણાવ્યું હતું દાનહના સાંસદ મુંબઈ આવી આત્મહત્યા કરે એની પાછળનું શું કારણ હોય શકે છે ? ડેલકરે જે પ્રશાસનિક અધિકારીઓના નામ આપ્યા છે તેમના અસહકારથી કોઈ સાંસદ આત્મહત્યા કરી શકે તેવું મને લાગતું નથી. સ્યુસાઇડ નોટમાં જે નામ છે તે પ્રદેશના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલનું છે.
હવે એવા સવાલ ઊભા થાય છે કે શું પ્રફુલ પટેલ દ્વારા દબાણ પ્રસાશનિક અધિકારીઓ મારફતે કરાતું હતું ? એમના દબાણમાં મોહન ડેલકરે આપઘાત કર્યો ? મોહન ડેલકરે મુંબઈમાં આવી આત્મહત્યા કરતા તેમને એવો વિશ્વાસ હતો કે મહારાષ્ટ્રમાં તેમને ન્યાય મળશે જે ખુબ જ મહત્વની વાત છે.તો આ મામલે મહારાષ્ટ્રના અધિકારીઓ દાનહ જઈને તપાસ કરશે અને મોહન ડેલકરના આપઘાત મુદ્દે જે કોઈ જવાબદાર હશે એમને બક્ષવામાં નહીં આવે તેવું દેશમુખે જણાવ્યું હતું.
આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસે કબ્જે કરેલી સુસાઇડ નોટમાં પ્રશાસક પ્રફૂલ પટેલના ઇશારે કામ કરતા દાદરાનગર હવેલીના એક ડઝન કરતા વધુ ઉંચા હોદ્દા પર બેઠેલા અને કેટલાંક IRS અને IPS અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની સંભાવના છે. અત્યારે ફોરેન્સીક ટીમ આ સ્યુસાઈડ નોટની તપાસ કરી રહી છે. સ્યુસાઈડ નોટ પર મોહન ડેલકરના જ હેન્ડ રાઈટિંગ હોવાનું સ્પષ્ટ થઇ જતા હવે સુસાઇડ નોટમાં જેમના નામો છે તેવા તમામ પ્રત્યે સખ્ત કાર્યવાહી કરવા મુંબઈ પોલીસ સજ્જ થઈને બેઠી છે. ફોરેન્સીક ટીમે ડેલકરનો મૃતદેહ હોટેલની જે રૂમમાંથી મળ્યો હતો, તેની ચાર કલાક સુધી તપાસ કરી હતી.
આ સમગ્ર આપઘાત પ્રકરણમાં મુંબઈ પોલીસ આવનારા દિવસોમાં જેમના નામ મોહન ડેલકરે સુસાઇડ નોટમાં લખ્યા છે તેવા તમામ ગુનો નોંધી ધરપકડ કરે એવી સંપૂર્ણ શક્યતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ગમે ત્યારે મુંબઈ પોલીસ સંઘપ્રદેશમાં ધામાં નાંખે એવી શક્યતા હાલના સ્ટેજ પર દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે મુંબઈ પોલીસ મોહન ડેલકરના પરિવારજનોના નિવેદન નોંધવાની જાહેરાત કરી ચુકી છે.