15 માસથી દુનિયામાં તબાહી મચાવી રહેલા કોરોના વાયરસે કરોડો લોકોને શિકાર બનાવ્યા અને લાખો લોકોનો જીવ લીધો છે. આટલા વખતથી આ વાયરસના ઉદભવ સ્થળ વિશે માત્ર અટકળો જ ચાલી રહી હતી. સમગ્ર વિશ્વ કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર માની રહ્યું છે. પરંતુ ચીન સતત તેનો ઈન્કાર કરતું હતુ. દરમિયાન આ કોરોના વાયરસ વુહાનની લેબમાંથી જ ફેલાયો હોવાનો દાવો એક અહેવાલમાં કરાયો છે. અમેરિકી વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ અંગે વુહાનની લેબમાં સંશોધન થઈ રહ્યું હતુ તે સમયે લેબના 3 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. આ સમયે આખી દુનિયા આ વાયરસથી અજાણ હતી. જયારે ચીનમા વાયરસથી સંક્રમિત થયેલા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ હતી.
વાયરસ ફેલાયો તે પહેલા ચીનમાં સંક્રમિત થયેલા તમામ 3 કર્મચારી વુહાનની લેબના સંશોધકો જ હતા. વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજીના 3 સંશોધકો નવેમ્બર 2019માં બીમાર થતા તેમણે હોસ્પિટલમાં સારવાર માટે મદદ માંગી હતી. આ જ નવેમ્બર મહિના બાદ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીના સમયગાળામાં મહામારી અંગે જાણ થઈ હતી. આ ઘટના બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ તપાસ કરવા વુહાન પણ ગઈ હતી. પરંતુ ચીને કેટલાક ક્ષેત્રમાં તપાસ કરવા દીધી ન હતી. ટીમ પહોંચે તે પહેલા જ ચીને વાયરસ સંલગ્ન તમામ પુરાવા નાશ કરી દીધા હતા. પરિણામે તપાસ દરમિયાન સ્વાસ્થ્ય સંગઠનની ટીમને વાયરસના પુરાવા મળ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, સોમવારથી જીનેવા ખાતે વર્લ્ડ હેલ્થ અસેમ્બલીની મહત્વની બેઠક શરૂ થઈ રહી છે. બેઠકમાં વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિ મંડળ, યુએન પર્યવેક્ષક, સહયોગી સદસ્યો, બિનસરકારી સંગઠનોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે. આવા સમયે અમેરિકામાં પ્રસિદ્ધ એક અહેવાલમાં વાયરસના ઉદભવ અંગે ખુલાસો કર્યો છે.