2020માં આખી દુનિયામાં ત્રાટકેલા કોરોના નામના સંકટનો હાઉ હજુ દૂર થયો નથી. ત્યાં હવે કોરોના કરતા પણ ખતરનાક ફંગસનો ખતરો તોળાય રહ્યો છે. ખુદ વૈજ્ઞાનિકો પણ આ ફંગસથી ગભરાયા છે. ‘કૈંડિલા ઑરિસ’ નામના આ ફંગસથી સમગ્ર દુનિયામાં મોટી તબાહી સર્જાય તેમ હોવાનું સંશોધકો માની રહ્યા છે. અત્યાર સુધી તો સદનસીબે તેનું સંક્રમણ ઝડપભેર થતું નથી. પરંતુ ફંગસ જો હૉસ્પિટલો સુધી પહોંચે તો માનવજાતને મોટી નુકસાની થઈ શકે છે. વિશ્વમાં કોરોના વાયરસ વિશે થઈ રહેલા સતત સંશોધન દરમિયાન જ અન્ય કેટલાક વૈજ્ઞાનિકોને આ ફંગસનો ભય દેખાયો છે. આ ફંગસ બ્લેક પ્લેગ ફેલાવાનું કારણ બની શકે છે. આ ફૂગ અત્યંત ખતરનાક છે તેવો દાવો સંશોધકો કરવા માંડ્યા છે. સીડીસી સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો કહે છે કે, ‘કૈંડિલા ઑરિસ’ ફંગસ વાંદરાઓમાંથી ફેલાઈ છે. આ ‘કૈંડિલા ઑરિસ’ ફુગ પોતાને વધુ મજબૂત કરી રહી છે. આ ફંગસ સામે અત્યાર સુધી વપરાતી એન્ટિફંગલ દવા પણ નાકામ સાબિત થઈ રહી છે. લંડન ઇમ્પિરિયલ કૉલેજના જોહાના રોડ્સ મહામારી કિટાણુના વિશેષજ્ઞ છે. તેઓ કહે છે કે, કૈંડિલા ઑરિસ ફંગસ સપાટી પર લાંબા સમય સુધી પોતાને જીવીત રાખવાની ક્ષમતા ધરાવે છે. બ્લેક પ્લેગથી આની તુલના એ માટે પણ થઈ રહી છે કેમકે આ વાંદરાઓમાંથી ફેલાતી ફંગસ છે. કોરોનાએ આખી દુનિયામાં સ્વાસ્થ્ય સેવાઓમાં રહેલી ઉણપોને સામે લાવી દીધી છે. તેથી તેને દૂર કરવા ભારત સહિતના દેશમાં કવાયત ચાલી રહી છે. આવા સમયે વધુ એક મુશ્કેલીની દસ્તક દુનિયાની ચિંતા વધારી રહી છે.