આહવામાં ગુરુવારે રાતે બનેલી એક ઘટનામાં યુવતીની સેવા કરતા જતા યુવાનને ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ સર્જાયો હતો. ઘટનામાં હોમગાર્ડ અને એક યુવતીને હોમગાર્ડની પત્ની અને તેના સાગરીતોએ ઝાડ સાથે બાંધીને ફટકાર્યા હતા. સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, ડાંગ જિલ્લાના લહાનદબાસ ગામનો યુવાન સુરેશ શીવરામ પવાર હોમગાર્ડમાં ફરજ બજાવે છે. હાલમાં જ ચુંટણીના કામમાં તેને બંદોબસ્તમાં ફરજ સોંપાઈ હતી. દરમિયાન ગુરુવારે તે ફરજ પરથી ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન વઘઇના મોટામાળુંગા ગામની 28 વર્ષીય યુવતી મંદા શાંતારામભાઇ ગામીત (ઉ.વ.૨૮) બસ ડેપો પાસે રાતે એકલી ઉભી હતી. આ યુવતીને જોઈ સુરેશે બાઇક ઉભી રાખી હતી. જે બાદ તેણે તે યુવતીને અહી કેમ ઉભા છો તેમ પુછ્યું હતુ. યુવતીએ આ સમયે મારૂ સાસરૂ મોટા માળુંગા છે અને મારે ત્યા જવાનું છે પરંતુ રાત થઈ ગઈ હોવાથી બસ કે વાહન મળે તેમ નથી તેવું જણાવ્યું હતુ.
જેથી સુરેશ પવારે ચુંટણીના લીધે બસ બંધ હોવાથી આવશે નહી તમે સામગહાન સુધી મારી સાથે બેસી જાવ તેમ કહીને મંદાને પોતાની બાઈક પર બેસાડી દીધી હતી. જો કે, તે પછી સામગહાનથી મોટામાળુંગા જવા સાધન ન મળતા સુરેશે તે યુવતીને પોતાના ઘરે પરિવાર હોય, ત્યાં જ રાત્રિ રોકાણ કરવા કહ્યું હતુ. જેથી મંદા ગાવિત તેના ઘરે ગઇ હતી. સુરેશે તેને અલગ અલગ રુમ આપી પોતે પરિવાર સાથે સુઈ ગયો હતો. જે બાદ સુરેશ પવારની પત્ની જયવંતી પવારે સુરેશને બીજી યુવતીને સાથે લઈને આવ્યો છે તેમ કહીને લાકડીથી માર મારવાનું શરૃ કર્યું હતુ. આ સમયે મંદા પણ ત્યાં આવી જતાં જયવંતીએ તેને પણ લાકડીથી સપાટા માર્યા હતા. જે બાદ જયવંતીએ તેના પિતાને ફોન કરીને બોલાવ્યા અને તે પછી આ ટોળકીએ સુરેશ પવાર અને મંદાને માર માર્યો હતો. જયવંતીની બે બહેનો સાખુબેન મોહનભાઇ ગાંવિત અને રાધાબેને તો મંદા ગાવિતને છાતીના અને પેટના ભાગે માર માર્યો હતો. આટલું ઓછુ હોય તેમ સુરેશની પત્ની અને તેના સગાએ મંદા ગાવિત અને સુરેશ પવારને વૃક્ષ સાથે દોરડાથી બાંધી દીધા હતા. દિવસ દરમિયાન ગામજનોએ સુરેશ અને મંદાને ઝાડ સાથે બાંધેલી હાલતમાં જોતા ત્યાંથી છોડાવ્યા હતા. આખરે 181ની ટીમને જાણ થતાં ટુકડીએ ત્યાં આવીને મંદા ગાવિતને સારવાર માટે આહવા સિવિલમાં ખસેડી હતી. સાપુતારા પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.