વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો જન્માષ્ટમીની ઉજવણી બાદ મન મુકીને વરસી રહ્યો છે. આ વરસાદને લીધે ખેડૂતોમાં આનંદ છવાયો છે. નંદના ઘર કાન્હાની પધરામણી સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી એન્ટ્રી કરી છે. વલસાડ જિલ્લાની ગત રાત્રિએ 2 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજે એટલે કે મંગળવારે દિવસભર યથાવત રહ્યો હતો. વલસાડ જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સતત મુસળધાર વરસાદ વરસતો રહ્યો હતો. સૌથી વધુ ઉમરગામમાં જ 259 મિમી જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉમરગામ ઉપરાંત કપરાડામાં 73 મિમી, જ્યારે ધરમપુરમાં માત્ર 13 મિમી, પારડીમાં 30 મિમી, અને વલસાડમાં 7 મિમી, વાપીમાં 111 મિમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ખેતી માટે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે લાંબા સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે વાટ જોઇ રહ્યા હતા. એક તરફ ખેડૂતોમાં વરસાદને લીધે ખુશીનો માહોલ છવાયો છે પરંતુ ઉમરગામમાં વધારે વરસાદને લીધે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન પણ થઈ રહ્યા છે. ઉમરગામ વિસ્તારમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને તેને લીધે તંત્રની પ્રી-મોન્સુન કામગીરી પર વધુ એક વખત સવાલો ઉઠી રહ્યા છે.