સુશાંત આપઘાત કેસ સાથે ચર્ચામાં આવેલા બોલિવુડ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગરને બોલિવુડ સ્ટાર્સના 70થી વધુ ગેઝેટ્સ મોકલ્યા હતા. અર્જુન રામપાલ, તેની ગર્લફ્રેન્ડ અને તેના ભાઈના પણ દસ ફોન પણ NCBએ FSLને સોંપ્યા હતા.
જે બાદ ગાંધીનગર FSLએ બે વર્ષનો ડેટા ભેગો કરી NCBને તમામ પુરવા આપી દીધા છે. ગાંધીનગર FSL ટીમે બે હાર્ડ ડિસ્કમાં સમાય એટલો ડેટા એકત્ર કરીને NCBને આપ્યો છે. કાઢવામાં આવેલા ડેટામાં ડિલીટ કરાયેલી વોઇસ ક્લિપ્સ, વીડિયો ક્લિપ્સ અને ચેટ મેસેજીસ અને મોબાઇલ નંબર્સ પણ સામેલ છે. જો કે, હજુ 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી છે.
એનસીબીને જે દસ્તાવેજો અને પુરાવા સોંપાયા છે તેમાં બોલિવુડની દીપિકા, સારા અને શ્રધ્ધાના મોબાઈલ કોલ્સનો ડેટા ઉપરાંત રિયા અને અર્જુન રામપાલના મોબાઈલ ફોન કોલ્સની વિગતો પણ અપાઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં તમામ સેલિબ્રિટીના વોટસએપ કોલ, ચેટ અને વીડિયો ક્લિપ્સ સહિતનો ડેટા મેળવાયો છે. જો હવે આ ડેટામાંથી કંઈ હાથ ન લાગે તો બે વર્ષના ડેટા મેળવવા પણ કવાયત થશે. બોલિવુડ સેલિબ્રિટીના ડ્રગ્સ પેડલર સાથેના કનેકશનને NCB શોધવા માંગે છે.
FSL ટીમ પાસે કુલ 70થી વધુ ગેજેટસમાંથી 80 આઈફોન છે. જેમાંથી 30 મોબાઈલ ફોનના ડેટાનું એફએસએલે પૃથક્કરણ કરી દીધું છે. હજી 70 ગેજેટસની તપાસ થઈ રહી છે. છેલ્લા 45 દિવસમાં મોકલાયેલા ગેઝેટ્સમાં 30 મોબાઈલ ફોનનો ડેટા કાઢ્યા બાદ તે NCBને પરત મોકલી દેવામાં આવ્યા છે.
સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસમા NCBએ તાજેતરમાં અનેક ગેજેટ્સ કબજે લીધા હતા. ફોરેન્સિક તપાસ માટે મોકલેલા મોટાભાગના ગેઝેટ્સમાં સૌથી વધુ મોબાઇલ સેલિબ્રિટી, તેમના પરિચિતો અને આરોપી ડ્રગ્સ પેડલર્સના છે. આ સિવાય બે લેપટોપ, ટેબ્લેટ્સ અને પેન ડ્રાઈવ્સ પણ છે. એનસીબીના મતે જે ડેટા રદ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સિક્યોર હતો, તેથી લેબ ઇઝરાઇલ પાસેથી માંગવામાં આવેલા ખાસ સાધનોનો ઉપયોગ કરી રહ્યું છે. NCB ફોરેન્સિક લેબમાં મુંબઇથી જપ્ત કરાયેલા ડ્રગ્સના સેમ્પલ્સ ગાંધીનગર એફએસએલમાં તપાસ માટે મોકલી રહ્યું છે. આ ડ્રગ્સના સેમ્પલની તપાસ કરીને રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે. જેથી ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા સપ્લાયર્સ અને ખરીદદારો સુધી પહોંચી શકાય. અત્યાર સુધીમાં ફોરેન્સિક લેબને 25 ડ્રગ્સના સેમ્પલ મોકલાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ફોરેન્સિક લેબ પર જે મોબાઈલ મોકલાયા છે તેમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને તેમની સાથે સંકળાયેલા લોકોના ગેજેટ્સ સામેલ છે.