ભાજપના 25 વર્ષના શાસનમાં ગુજરાતનું દેવું વધીને રૂા. 3,10,000 કરોડ થઈ ગયું છે. આ સાથે જ પ્રત્યેક નાગરિકને માથે 49 હજારને આંબી ગયું છે. 1996માં કેશુભાઈ પટેલના શાસનમાં ગુજરાતનું જાહેર દેવું 14,800 કરોડ હતું. જે પહેલાં 1995માં મુખ્યમંત્રી પદે છબિલદાસ મહેતાના સમયે દેવાનો આ આંકડો રૂા.12, 999 કરોડ નોંધાયો હતો. હાલમાં ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ સરકારને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવીને કટાક્ષ કરતા જણાવ્યું હતુ કે, દેવુ કરીને ઘી પીવાય, દારૂ નહીં. આજે દરેક ગુજરાતી પર રૂપિયા 49, 600નું દેવું થઈ ગયું છે.
બિહાર અને ઝારખંડ શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાત કરતા આગળ છે. આ વર્ષે ગુજરાતમાં જાહેર કરેલું બજેટ દમ વગરનુ છે. સરકારે રાજ્યના કુલ દેવાનો આંકડો હાલમાં જ જાહેર કર્યો છે. જેમાં રુપાણી સરકારે છેલ્લા 2 વર્ષમાં 75971 કરોડની લોન લીધી હોવાનો ખુલાસો કર્યો છે. વર્ષ 2019ની લોનનો વ્યાજ દર 7.77થી 8.79 ટકા હતો, જ્યારે વર્ષ 2020માં 6.74 થી 9.22 ટકાના વ્યાજ દરે લોન લેવી પડી છે. વર્ષ 19-20નું 2,67,650 કરોડનુ જાહેર દેવુ ગુજરાત સરકારે જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ગૃહમાં DyCM નીતિન પટેલે રાજ્યના દેવા વિશે કબૂલાત કરી હતી. જેમાં પટેલે સ્વીકાર્યું હતુ કે, કેન્દ્રીય દેવા પાછળ સૌથી વધુ વ્યાજ દરની ચૂકવણી કરવામાં આવી રહી છે. લોન માટે 3.15થી 8.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે.
બજાર લોન માટે 6.68થી 9.75 ટકા વ્યાજ અને કેન્દ્રીય દેવા માટે 0થી 13 ટકા વ્યાજ દરની ચૂકવણી થાય છે. 1995થી 2021 સુધીના 26 વર્ષના ભાજપના શાસન કાળમાં ગુજરાતના જાહેર દેવામાં 2,97,001 કરોડનો વધારો થયો છે. 31 ડિસેમેબર 2019ની સ્થિતિએ રાજ્યનું કુલ જાહેર દેવું 2 લાખ 40 હજાર 652 કરોડ રૂપિયા છે. જેમાં 7223 કરોડ કેન્દ્ર સરકારની લોન ઉપરાંત લોનનો વ્યાજ દર 0થી લઇ 13 ટકા સુધીનો હતો.