સોલા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટ અંગે પાટીદારોની યોજાયેલી બેઠકમાં આગેવાનો દ્વારા અનેક પાસાની ચર્ચા કરવામાં આવી હતી. જો કે, આ બેઠકમાં રાજકીય મુદ્દે કોઈ ચર્ચા થઈ ન હતી. પરંતુ સંસ્થાના આગામી આયોજનોને ચર્ચામાં લેવાશે. અગાઉ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ સોલા કેમ્પસમાં 74000 ચોરસ વાર જમીનની ખરીદી કરાઈ હતી. તેથી આ જમીનમાં હવે ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા જુદા-જુદા વિભાગોનું નિર્માણ કરવાનો મુદ્દો બેઠકમાં કેન્દ્ર સ્થાને રહ્યો હતો. બેઠક પહેલાં આગેવાનોએ જણાવ્યું હતુ કે, સમગ્ર પ્રોજેક્ટ પાછળ 1500 કરોડનો ખર્ચ થશે. આખા પ્રોજેકટના મુખ્ય કર્તાહર્તા તરીકે ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેકટ સમિતિના ચેરમેન બાબુભાઇ પટેલને સત્તા સોંપવામાં આવી છે. પ્રોજેકટનું ભૂમિપૂજન 13 ડિસેમ્બર 2021ના રોજ થશે. આ જ દિવસે ધર્મ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવશે. જેમા ધાર્મિક સંતો, મહંતો, રાજવીઓ, મહેમાનો, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરેને આમંત્રિત કરવામાં આવશે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આ પ્રોજેકટના જલ્દી સાકાર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. 2022 પહેલા ખોડલધામમાં બેઠક મળી હતી અને હવે અમદાવાદ ઉમિયાધામ સોલા ખાતે મિટિંગ મળી હતી. સમાજના આગેવાન સી કે પટેલે જણાવ્યું હતું કે ઉમિયા માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે. વર્ષ 2022 પહેલા પાટીદારની મહત્વની બેઠક થઈ છે પરંતુ આજની બેઠકનો કોઈ રાજકીય ઉદ્દેશ ન હતો.