પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં મોત થયું છે. ANIએ પોતાના ટ્વિટમાં આ જાણકારી આપી છે. ટ્વીટમાં લખ્યું હતું કે- “પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું હરિયાણાના સોનીપત પાસે રોડ અકસ્માતમાં મોત થયું હતું. સોનીપત પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. દીપ સિદ્ધુને અગાઉ 2021ના લાલ કિલ્લા હિંસા કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે દીપ સિદ્ધુ પોતે કાર ચલાવી રહ્યા હતા. તેમની કારનો અકસ્માત ખારખોડા સોનીપત પાસે થયો હતો, અકસ્માત બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. કાર કન્ટેનર સાથે અથડાઈ, આ અકસ્માત કરનાલના ટોલ પ્લાઝા પાસે થયો હતો. દીપ સિદ્ધુ તેની સ્કોર્પિયો ગાડીમાં હતો, તેની સાથે એક મહિલા પણ હતી.
દીપ સિદ્ધુ ગયા વર્ષે કૃષિ કાયદાને લઈને થયેલા આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ કાઢી, કેટલાક લોકો લાલ કિલ્લા પર ચઢ્યા અને ધાર્મિક ઝંડા લગાવ્યા, સિદ્ધુ પર આરોપ હતો કે તેણે આંદોલનકારીઓને ધમકાવ્યા હતા, ત્યારથી તેમને ધમકીઓ પણ મળી રહી છે. સિદ્ધુની ગયા વર્ષે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.