ભારત સરકારને છેલ્લાં દોઢ વર્ષમાં દેશના જુદા જુદા રાજ્યોની હાઈકોર્ટ અને ખુદ સુપ્રિમ કોર્ટ દ્વારા વારંવાર ખખડાવીને કોઈને કોઈ મુદ્દે ટકોર કરવામાં આવી છે. કોરોના કાળમાં પણ ભારત સરકારને દવા, ઈન્જેકશન અને ઓક્સિજન જેવી જરૃરિયાતની વહેંચણી યોગ્ય રીતે કરવા કોર્ટે આદેશો કરવા પડ્યા છે. દરમિયાન દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને બ્લેક ફંગસના ચેપમાં સારવાર માટે ઉપયોગમાં લેવાતા એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શનની આયાત પર લાદવામાં આવેલી ડયૂટીને ઉઠાવી લેવા માટે ગંભીરતાપર્વક વિચારણા કરવાનો આદેશ કર્યો હતો. ભારતમાં છેલ્લાં કેટલાક દિવસોથી વિવિધ રાજ્યોમાં મ્યુકોરમાઈકોસીસનો રોગ તરખાટ મચાવી રહ્યો છે. આ બિમારીમાં હવે વ્હાઇટ ફંગસની સમસ્યા સાથે દર્દીની અન્નનળી અને બન્ને આંતરડાંમાં કાણાં પડવા જેવી સમસ્યા સામે આવી રહી છે. તેથી સરકાર દેશની પ્રજા માટે રાહત થાય તેવા કાર્યો કરે તેવી ટકોર સાથે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતુ કે, કોરોનાના સંકટ વચ્ચે દેશમાં બ્લેક ફંગસની બિમારી પણ એક મોટો પડકાર બની છે. બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગી ઇન્જેક્શનને આયાત કરવામાં આવી રહ્યા છે.
દિલ્હી હાઇકોર્ટમાં દાખલ એક અપીલની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે જ્યારે આ દવા લોકોનો જીવ બચાવવા માટે કામ આવી રહી છે ત્યારે તેના ઉપર આટલી બધી વધારે ઇમ્પોર્ટ ડયૂટી કેમ છે ? પ્રજા પર સંકટ સમયે પણ ડ્યુટીનું વધુ ભારણ યોગ્ય નથી. સરકારે પ્રજાના હિતમાં અને તેને રાહત થાય તેવા નિર્ણય કરવા જોઈએ. દિલ્હી હાઇકોર્ટે વચગાળાના ઉપાય તરીકે કેન્દ્ર કોઇ નિર્ણય ના કરે ત્યાં સુધી દવાની આયાત ઉપરની ડયૂટી માફ કરવા આદેશ કર્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે આ દવાને ત્યાં સુધી ડયૂટીમુક્ત આયાત કરી શકાશે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેના પરની કસ્ટમ્સ ડયૂટીને માફ કરવા માટે નિર્ણય ના કરે. જો કે કોર્ટે આ માટે બોન્ડ ભરવાનો પણ આદેશ કર્યો છે. જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહે પોતાના આદેશમાં નોંધ્યું હતુ કે, આ બોન્ડમાં સ્પષ્ટ રીતે લખવામાં આવશે કે જો ઇમ્પોર્ટ ડયૂટી માફ કરવામાં નહીં આવે તો આ ડયૂટીની ભરપાઇ આયાતકાર કરશે. બીજી તરફ હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરતા કહ્યું હતુ કે, અદાલતે આપેલા આ આદેશ બાદ સીબીડીટી અને નાણા મંત્રાલય સુધી તેની જાણ કરાશે. એટલે આગામી એક-બે દિવસમાં તે વિશે નિર્ણય લઈ લેવાશે. આમ દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે વચગાળાની રાહત આપતા એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની આયાત પર લાદવામાં આવેલી ડયૂટીને માફ કરી દીધી હતી.
બીજી તરફ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસનો એક વિચિત્ર દર્દી મળ્યો હતો. દર્દીને કોરોનાના સંક્રમણ બાદ અન્નનળી, નાનું આંતરડું અને મોટા આંતરડામાં કાણાં પડી ગયાં હતાં. તપાસ કરવામાં આવી તો તેનું કારણ વ્હાઇટ ફંગસ નીકળ્યું છે. ડોક્ટરોએ ઓપરેશન કરીને દર્દીના આંતરડામાં પડેલા તમામ કાણાંને લોક કર્યા હતાં અને તે પછી આ મહિલા દર્દીની એન્ટિ ફંગલ ટ્રીટમેન્ટ શરૂ કરી છે.