વર્ષોથી યાદશક્તિની ઓછી ક્ષમતા લાખો બાળકો અને વાલીઓ માટે ચિંતાનું કારણ રહી છે. ખાસ કરીને અભ્યાસ કરનાર બાળકોને દરેક વિષયમાં યાદ રાખવું ફરજિયાત હોય છે. બાળકો કે વાલીઓ અત્યાર સુધી અનેક નુસખા અજમાવીને યાદ શક્તિ વધારવા પ્રયાસો કરતા રહ્યા છે. જો કે, કેટલાક સમયથી ટ્યુશન કરનાર શિક્ષકો પોતાનું ભણાવેલું વિદ્યાર્થીઓને યાદ રહે તે માટે જે નુસખા અપનાવે છે તે આશ્ચર્ય પમાડે તેવા પણ હોય છે. ભારતની રાજધાની દિલ્હી ખાતે બનેલી એક ઘટના પણ કંઈક આવી જ છે. બાળકોની યાદશક્તિ વધારવા માટે એક શિક્ષકે તેમને ઈન્જેક્શન આપવાનો કિમીયો અજમાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જો કે, ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસે આરોપી શિક્ષકને પકડી પાડ્યો હતો.
ગત રવિવારે જ પોલીસે તે શિક્ષક જયારે બાળકોને સેલાઈન ઈંજેક્શન આપી રહ્યો હતો ત્યારે રેડ પાડી હતી. આ બનાવ બાદ આરોપી શિક્ષક સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. દિલ્હીના મંડાવાલી વિસ્તારમાં રહેતો સંદીપ નામનો શખ્સ તેના ઘરની આસપાસ રહેતા બાળકોને કેટલાક સમયથી વિના મૂલ્યે ટ્યુશન આપી રહ્યો હતો. તેને ત્યાં જે બાળકો ભણવા માટે આવતા હતા તેમની યાદશક્તિ વધારવા માટે સંદીપ સેલાઈનના ઈન્જેક્શન લઈ આવ્યો હતો. જે ઈન્જેકશન તે બાળકોને તબક્કાવાર આપી રહ્યો હતો. પોલીસે આરોપીની પુછપરછ કરતા તેણે કહ્યું હતુ કે, પોતે પણ દિલ્હી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને બીએ દ્વિતીય વર્ષમાં ભણી રહ્યો છે. તેણે યુટ્યૂબ પર એક વીડિયો જોયો હતો જેમાં સેલાઈન ઈન્જેક્શન દ્વારા બાળકોની યાદશક્તિ વધારવાનો દાવો કરાયો હોવાનું જાણ્યું હતુ. જે બાદ તેણે પણ ટ્યુશન આવતા બાળકોને ઈન્જેકશન આપવાનો નિર્ણય કર્યો હતો. ઘટના અંગે પોલીસે કહ્યું હતુ કે, શનિવારે એક અજ્ઞાત વ્યક્તિએ પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરીને સૂચના આપ્યા બાદ પોલીસે સંદીપના ઘરે રેડ કરી હતી. આ સમયે પણ બાળકોને ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા હતા. જે બાળકોને સેલાઈનનું ઈન્જેક્શન સંદીપ દ્વારા મુકવામાં આવ્યું હતુ, તેમાંથી કોઈને સાઈડ ઈફેકટ થઈ નથી. આમ છતાં સમગ્ર કિસ્સો ગંભીર અને ચિંતાજનક છે.