તાજેતરમાં જ અમેરિકાના સંશોધકોએ આપેલી ચેતવણ આખા વિશ્વની ચિંતા વધારે તેમ છે. સંશોધકોએ દાવો કર્યો છે કે કોરોનાનો ડેલ્ટા વેરીઅન્ટ માણસોમાં અછબડાની જેમ જ ફેલાઈ શકે છે. વળી તે વેક્સીન લઈ ચૂકેલા લોકોને પણ પોતોની ચપેટમાં લઈ શકે છે. કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ અંગે અમેરિકામાં સંશોધકોએ તૈયાર કરેલો એક અહેવાલ સરકારમાં રજૂ કર્યો હતો.
આ અહેવાલમાં દર્શાવાયું છે કે, બી.1.617.2 એટલે કે ડેલ્ટા સ્વરૂપ વધુ ગંભીર બીમારી પેદા કરી શકે છે. ડેલ્ટા વેરીઅન્ટ એ વાયરસના અન્ય તમામ જાણીતા વેરિઅન્ટની સરખામણીમાં વધુ ગંભીર છે. ડેલ્ટા વેરિઅન્ટ અછબડાંની જેમ સરળતાથી માણસોમાં ફેલાઈ શકે છે. સૌથી પહેલાં ભારતમાં ડેલ્ટા સ્વરૂપની ઓળખ થઈ હતી. ડેલ્ટા સ્વરૂપ મર્સ, સાર્સ વાયરસની સરખામણીએ વધુ ફેલાય છે. આ અછબડાંની જેમ જ સંક્રામક છે. સીડીસી દ્વારા 24 જુલાઈ સુધી એકત્ર કરવામાં આવેલાં આંકડા અનુસાર, અમેરિકામાં 16.2 કરોડ લોકોને રસી આપવામાં આવી ચુકી છે.
આમ છતાં દર અઠવાડિયે કોરોનાના લક્ષણવાળા લગભગ 35,000 નવા દર્દીઓ મળી રહ્યા છે. જો કે, આ કેસને સત્તાવાર રીતે કોરોનાના કેસમાં ગણવામાં આવ્યા નથી. યૂએસ આરોગ્ય ખાતાએ પણ નોંધ લીધી છે કે, રોગ નિયંત્રણ અને સીડીસીના દસ્તાવેજમાં અપ્રકાશિત આંકડાઓના આધારે બતાવવામાં આવ્યુ છે કે, રસીના બધા જ ડોઝ લીધા હોય તેવા લોકો પણ રસી નહીં લીધી હોય એવા લોકોની જેમ જ ડેલ્ટા સ્વરૂપને ફેલાવી શકે છે. યુએસ મીડિયાએ ફેડરલ અધિકારીનો હવાલો આપતા કહ્યું કે, દસ્તાવેજના નિષ્કર્ષે ડેલ્ટા સ્વરૂપને લઈને સીડીસીના વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.
આરોગ્ય ખાતુ હવે ડેલ્ટા સ્વરૂપને લઈને બહાર આવેલા તારણો તથા આંકાડાઓથી ખૂબ જ ચિંતિત છે. આ સ્વરૂપ આગામી દિવસોમાં દુનિયા માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.
મીડિયાના અહેવાલોમાં સીડીસીના ડિરેક્ટર ડૉ. રોશેલ પી.વાલેસ્કોનું નિવેદન જાહેર કરાયું હતુ. જેમાં તેમણે સ્વીકાર્યું હતુ કે, રસી લીધી હોય એવા લોકોનાં નાક અને ગળામાં વાયરસની હાજરી એવી જ હોય છે, જેવી રસી ન લીધી હોય તેવા લોકોમાં હોય છે. આ સાથે જ તેમણે વાયરસના આ સ્વરૂપના કેટલાંક ગંભીર લક્ષણો તરફ પણ ઈશારો કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.