હિંદુ ધર્મમાં ગાયનું અનેરું મહત્વ છે.બીલીમોરાની અંબિકા નદીના પટમાં રહેલા ડમપિંગ સાઈટમાં કચરાના ઢગલામાં આજે સવારે એક મૃત ગાયને બીલીમોરા પાલિકાના વાહન મારફત ફેંકી જતા ગૌ રક્ષકો અને લોકોમાં બીલીમોરા પાલિકા અને જેતે વોર્ડના સભ્ય સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બીલીમોરા અંબિકા નદીના પટમાં કચરા ડમપિંગ સાઈટમાં આજે સવારે પાલિકાના વાહન દ્વારા એક મૃત ગાયને ફેંકવા જતા હોવાનો ફોટો વાયરલ થતા લોકોની લાગણી દુભાઈ હતી. જેને લઈ બીલીમોરા અગ્નિવીર ગૌ સેવા દળ અને ગાય માતા સેવા સભ્યો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. અને ઘટના સ્થળે પહોંચી મૃત ગાયને ડમપિંગ સાઈટ કચરાના ઢગલામાંથી જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ડુક્કર અને કૂતરાઓ એ મૃત ગાયને ચીરફાડ કરવાનું શરૂ જ કરી દીધું હતું. આ ઘટનાની જાણ આરોગ્ય ચેરમેન નરેશભાઈ પટેલને કરાતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જેસીબી સહિત અન્ય જરૂરિયાત સેવાઓ ઉપલબ્ધ કરાવી હતી.
આ બનાવની જાણ બીલીમોરા નગરજનોને થતા લોકોએ તંત્રની લાપરવાહી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.મૃત ગાયને જેસીબીની મદદથી સ્મશાન ભૂમિની બાજુના વિધિવત દફન વિધિ કરવામાં આવી હતી. શુ જે તે વોર્ડના પાલિકા સભ્યોની જવાબદારીમાં નથી આવતું કે મૃત ગાય કે કૂતરું હોય કે અન્ય પ્રાણીને યોગ્ય જગ્યાએ વિધિવત દફન કરાવવી જોઈએ કે પછી એક જ કામ ” ફક્ત ફોટા સેશનમાં જ રચ્યા પચ્યા રહેવાનું” . ગાયનું હિન્દૂ ધર્મમાં અનેરું મહત્વ છે જે માટે આકસ્મિક કે અકસ્માતે મૃત ગાયમાતા ને દફનાવવા બીલીમોરા પાલિકાએ યોગ્ય જગ્યા ફાળવવી જ જોઈએ એવી ગૌરક્ષકોમાં માંગ ઉઠવા પામી છે.