ગુજરાતમાં કોરોના વાયરસને કારણે સર્જાયેલી મહામારીને કારણે સરકારે 8 દિવસ પહેલાં જ શિક્ષણ બોર્ડ સાથે ચર્ચા કરીને ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કરી હતી. આ પહેલાં ધો. 1 થી 9 અને 11માં ભણી રહેલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતુ. હવે ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મોકુફ રાખી તમામ રેગ્લુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના નિર્ણય બાદ નવો વિવાદ સર્જાવાના એંધાણ છે. બોર્ડની પરીક્ષા લેવાનાર ન હોવાથી લાખો વિદ્યાર્થીઓ કે જેમની પાસેથી બોર્ડે પરીક્ષા ફી લીધી હતી તે ફી પરત કરવાની માંગ ઉઠી રહી છે. બોર્ડની પરીક્ષા માટે ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓ પાસેથી રૂા. ૩૫૫ ફી ભરાવવામાં આવે છે. જેમાંથી રૂા. ૧૦ સ્કૂલમાં જમા રહે છે અને રૂા. ૩૪૫ બોર્ડમાં જમા થયાં છે. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થી અને અન્ય કેટલાક કિસ્સામાં ફી વસૂલાતી નથી. જેથી ૫૦ ટકા જેટલા આ વિદ્યાર્થીઓ બાકાત કરાતાં અંદાજે સવા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરી દીધી છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ વખતે ગુજરાતમાં ૮.૩૭ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડના નિર્દેશ આધિન માસ પ્રમોશન મેળવશે. હવે આ વિદ્યાર્થી પૈકી સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે, તેમને તેમની ફી ચુકવવાની થશે તો રૂા. ૧૪ કરોડ જેટલી માતબર રકમ પરત કરવી પડશે. વાલીઓ અને વિદ્યાર્થીઓનો તર્ક એવો છે કે, આ વર્ષે પરીક્ષા જ નથી યોજાઈ એટલે બોર્ડને પ્રશ્નપત્ર, ઉત્તરવાહીનો ખર્ચ તથા પરીક્ષા માટે રોકવામાં આવતા કર્મચારીઓના મહેનતાણા પાછળનો ખર્ચ થશે નહીં. આમ પણ વિદ્યાર્થીઓ પાસે ઉઘરાવાયેલી રકમ પરીક્ષા ફી જ હતી. તેથી ફી પરત આપવા અંગે માગ છે. જો કે, હજુ સુધી સરકારે આ અંગે કોઈ ફોડ પાડ્યો નથી. બીજી તરફ બોર્ડની દલીલ એવી છે કે, તેણે પરીક્ષાલક્ષી તમામ તૈયારી કરી લીધી હતી. જેમાં સાહિત્ય પ્રિન્ટીંગ કરાવી તૈયાર કરાવી દીધુ છે. સરકારે આ જાહેરાત તો આઠ દિવસ પહેલાં જ કરી છે. આ પહેલાં બોર્ડે તો પરીક્ષાની તૈયારી કરવી પડે તેમ જ હતુ. જેથી વિદ્યાર્થીઓને ફી પરત આપવા મુદ્દે બોર્ડ કોઈ નિર્ણય નહીં કરે. આ અંગે રાજ્ય સરકારે બોર્ડને થયેલા ખર્ચની રકમ ચુકવવા અંગે નિર્ણય લેવો જોઈએ.