જો બાઈડનના અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સત્તારુઢ થયા પછી પણ ભારત અને અમેરિકા સંબંધો અકબંધ રહ્યા છે. અગાઉની જેમ જ બંને દેશ વચ્ચે વેપારી સંબધો મજબૂતાઈ સાથે આગળ ધપી રહ્યા છે. લોકડાઉન ધીમે ધીમે ખુલવા માંડતા ભારતમાં ઉદ્યોગોની ગાડી પાટે ચઢી રહી છે. જયારે અમેરિકામાં ફરી ભારતમાં બનેલી ચીજવસ્તુઓની માંગમાં ઉછાળો આવ્યો છે. જેને પરિણામે ચાર માસથી ભારતમાંથી અમેરિકા તરફ થતી નિકાસ પણ વધી રહી છે.૨૦૨૦ના ડિસેમ્બર માસની તુલનામાં અમેરિકામાં થયેલી નિકાસની તુલનામાં ફેબ્રુઆરી મહિનામાં ૧૪.૨ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. ૨૦૨૦માં કોરોનાને કારણે એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં ભારતમાં ઉદ્યોગો ઠપ હતા. જયારે અમેરિકામાં પણ બજારો બંધ રહેતા માંગ ઘટી ગઈ હતી. તેની સીધી અસર ભારતમાંથી થતી નિકાસ પર પડતા તેમાં ઘટાડો નોંધાયો હતો.
૨૦૨૦ના એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગત વર્ષના સમાન સમયની તુલનાએ અમેરિકા ખાતે થતી નિકાસમાં ૧૧.૩ ટકાનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન અમેરિકાથી થતી આયાતમાં પણ ૨૦.૧ ટકાનો ઘટાડો થયો હતો. આ સમયે ભારતે અમેરિકા ખાતે ૫૧.૧૯ અબજ ડોલર અંદાજે રૂ. ૩.૬૯ લાખ કરોડના મુલ્યની ચીજવસ્તુની નિકાસ કરી હતી. જ્યારે ૨૭.૩૯ અબજ ડોલર મુલ્યની આયાત કરી હતી. ૨૦૨૦ના ડિસેમ્બરમાં ભારતે અમરિકા તરફ ૪.૮૯ અબજ ડોલરનો સામાન મોકલ્યો હતો. ડિસે. ૨૦૧૯ દરમિયાન આ નિકાસ ૪.૨૮ અબજ ડોલરની હતી. આ જ સમયે ભારતની આયાત ૨.૭૮ અબજ ડોલર રહી હતી. જે ડિસેમ્બર ૧૯ની તુલનાએ ૭.૪ ટકા ઓછી હતી. આમ અમેરિકા સાથેના વેપારમાં ભારતને દેખીતી રીતે ફાયદો થઈ રહ્યો છે. કારણ કે આયાત થતી ચીજવસ્તુઓના મુલ્ય કરતા નિકાસ થતી કિંમત અનેકગણી વધારે છે.