અમદાવાદમાં નવ નિર્માણ પામેલા મોટેરા સ્ટેડિયમને 15 દિવસ પહેલાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયું હતુ. આ સમયે સરદાર પટેલનું નામ બદલવા મુદ્દે થોડો વિવાદ પણ થયો હતો. જો કે, તે વિવાદ હમે શમી ગયો છે. દરમિયાન મહેસાણાની વડનગર નગર પાલિકાનું નામ બદલવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. મહેસાણા નજીક આવેલી વડનગર નગરપાલિકાનું નામ બદલીને નરેંદ્રભાઈ દામોદરદાસ મોદી સેવા સદન કરવાની માંગ ઉઠી છે. વડાપ્રધાન મોદી વડનગરના વતની છે. તેથી સ્થાનિકોએ આ વાતને કાયમ યાદ રાખવા માંગે છે. બુધવારે આ અંગે સ્થાનિકોએ તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતુ. આ આવેદનપત્રમાં સેવા સદન સાથે નરેંદ્ર મોદીનું નામ જોડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં લોકોએ લખ્યું હતુ કે, વડનગર પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેંદ્ર મોદી ચોક નામ આપવામાં આવે તેવી પણ અમારી લાગણી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી સ્થાનિક બે મોટા સદગત નેતાઓના નામ જાણીતા છે. જેમાં સરદાર પટેલ તથા ગાંધીજી છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક સ્મારકો, રોડ, ઈમારતો સાથે દેશના સુપુતોના નામ જોડવામાં આવ્યા છે. હવે વડાપ્રધાન મોદી ગુજરાતના જ હોય, રાજ્યમાં તે વાતનું સતત સ્મરણ રહે તે માટે નામકરણનો આ સિલસિલો શરૃ થયો છે.
આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ આ પ્રકારની માંગ ઉઠે તો નવાઈ નહીં હોય.