ડિપ્રેશન માનસિક બિમારી છે, પણ તેની અસર તમારી કિડની ઉપર પણ થઇ શકે એ જાણીને તમે ચોંકી જશો. પરંતુ ચીનના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ડિપ્રેશનને કારણે તમારી કિડનીની કામ કરવાની શક્તિ ઘટે છે. ચીનની સોધર્ન મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ 4763 લોકોના સ્વાસ્થ્ય ઉપર સંશોધન કર્યું હતું. અભ્યાસ હેઠળના 4763 લોકોમાંથી 39 ટકા લોકો ડિપ્રેશનથી પીડાતા હતા. તેમના ઉપર ચાર વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના અંતે જાણવા મળ્યું હતું કે અભ્યાસમાં સામેલ લોકોમાંથી 6 ટકા લોકોની કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો હતો. આ અભ્યાસ ડૉ. કિનના નેજા હેઠળ થયો હતો. તેમના કહેવા પ્રમાણે ડિપ્રેશનમાં રહેનારા લોકોને ક્રોનિક કિડની ડિઝીઝ રહે છે, જેને કારણે કિડની જ નહીં હૃદય પણ ફેલ થવાનું જોખમ વધે છે. આ સંજોગોમાં કિડનીના સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી વધુ જરૂરી છે.
આપણા દેશની વાત કરીએ તો 2020ના અંત સુધીમાં દેશની કુલ વસ્તીના 20 ટકા લોકો મેન્ટલ ડિસઓર્ડરનો શિકાર થઇ જશે. કુલ વસ્તીના 7.5 ટકા લોકો કોઇને કોઇ મેન્ટલ ડિસઓર્ડરનો શિકાર થયેલા છે. કોરોનાને કારણે નોકરી જવાથી તેમજ ઘરે જ રહેવાને કારણે કે બિમારીને કારણે પણ ઘણા લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું છે. આ ફક્ત ભારતની વાત નથી. આખી દુનિયામાં કોરોનાને કારણે ઘણા લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના હેવાલ પ્રમાણે તો દુનિયામાં 26 કરોડથી વધુ લોકો ડિપ્રેશનનો શિકાર બનેલા છે. ભારતમાં દર વર્ષે 1 લાખની વસ્તીએ 16 લોકો માનસિક બિમારીને કારણે આત્મહત્યા કરી લે છે.
જો કે માનસિક બિમારીને કારણે આત્મહત્યા કરી લેનારા સૌથી વધુ લોકો રશિયામાં છે. રશિયામાં દર એક લાખ લોકોએ 26 લોકો આત્મહત્યા કરે છે. ભારત આ અંગે બીજા ક્રમે આવે છે.
આ સ્થિતિમાં ભારતીયોએ તેમની કિડની સારું કામ કરતી રાખવી હોય તો ડિપ્રેશનમાંથી બહાર આવી જવાની જરૂર છે, નહીંતર હૃદય અને કિડની બંને બગડી શકવાનું જોખમ વધી શકે છે.