છેલ્લાં 10 મહિનાથી ભારતમાં કોરોનાને કારણે વિવિધ પ્રતિબંધો લદાતા વેપાર ધંધા અને ઉદ્યોગને મોટાપાયે નુકસાન થયું છે. આમ છતાં પણ સુરત હીરા બજારમાં જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસમાં વધારો નોંધાયો છે. ગત વર્ષની તુલનામાં સુરતમાંથી આ વર્ષે હિરાના થયેલા એક્સપોર્ટમાં 650%નો ગ્રોથ નોંધાયો છે. સુત્રોના જણાવ્યા મુજબ આજથી એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં માત્ર 154 મિલિયન ડૉલરના પોલિશ્ડ ડાયમંડની નિકાસ હોવાનું પણ વિધિવત રીતે ચોપડે નોંધાયું છે. જયારે 2020 એપ્રિલ એટલે કે લોકડાઉનથી ડિસેમ્બર 2020 સુધીમાં સુરતથી જે વેપાર થયો છે તેમાં 994 મિલિયન ડૉલર એટલે કે 7 હજાર કરોડ રૂપિયાના માત્ર પોલિશ્ડ ડાયમંડની નિકાસ થઈ છે. લોકડાઉન અને કોરોના છતાં દુનિયામાં પણ પોલિશ્ડ ડાયમંડની માંગ રહી હતી. જેને કારણે સુરતની આ નિકાસ કરવામાં આવી હતી. સુરત હીરા બજારના CEO કે કે શર્માના જણાવ્યા મુજબ આ વખતની આ તેજી પાછલા કેટલાય વર્ષો કરતા વધુ છે. જ્યારે નિકાસમાં 650%નો વધારો થયો છે. કોરોના છતાં પણ આશ્ચર્યજનક રીતે સુરતના હિરા ઉદ્યોગે પ્રગતિ સાંધી છે. મહામારી અને પ્રવાસ સંબંધી મુદ્દા આ તેજીમાં અવરોધરૃપ હતા. આવા સમયે અમેરિકા, ચીન અને યુરોપમાં આ ક્ષેત્રમાં કામ ઠપ હતુ. જો કે, કેટલાક ત્રણ મહિનામાં વિદેશોમાં શુભપ્રસંગો થઈ રહ્યા છે. જેમાં સોનાના દાગીનાની જરૃર પડતા હીરાની માગમાં વધારો થયો હતો. ભારતના ડાયમંડ જ્વેલરીની નિકાસમાં ચીન અને અમેરિકાની માંગ મોટી હતી જે 70 ટકા જેવી રહી હતી. બીજી તરફ પ્રવાસ પર પ્રતિબંધને કારણે અમેરિકા, યુરોપ અને ચીનમાં લોકો પાસે પૈસા ભેગા થતા તેઓ ડાયમંડ અને ગોલ્ડના જવેરાતની ખરીદી તરફ વળ્યા હોવાનો તર્ક પણ રજૂ થઈ રહ્યો છે. આ સિવાય ક્રિસમસ દરમિયાન, લગ્નની વર્ષગાંઠ, લગ્ન પ્રસંગ તથા અન્ય પ્રસંગે ગિફ્ટમાં લોકો ડાયમંડ અને ગોલ્ડની જ્વેલરી આપી રહ્યા હોવાથી તે તમામ નિકાસનો ભાર ભારત તરફ રહ્યો હતો. બીજા વ્યવસાયોમાં મંદીને કારણે કેટલાકે ડાયમંડ અને ગોલ્ડમાં રોકાણને સૌથી સલામત માન્યું હોવાથી પણ વિદેશમાં હિરાની ખરીદી થઈ રહ્યાનું મનાય રહ્યું છે.