ભારતમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસને કારણે સરકાર ચિંતામાં છે. સાથે જ રસીકરણ ઝુંબેશને વધુ વેગીલી બનાવવાના આદેશો થયા છે. તેવા સમયે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલો ખેડૂતોએ વેકસીન ન લેવાનો નિર્ણય કરીને અનોખી રીતે કૃષિ કાયદાનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે જો સરકાર જરૂરી સમજે તો આંદોલનમાં સામેલ વૃદ્ધોને કોવિડ વેક્સિનેશન કરાવી શકે છે. સરકાર ધરણાસ્થળ પર આવીને વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરે તો અમનો કોઈ વાંધો વિરોધ નથી. પરંતુ કોઈપણ આંદોલનકારી વૃદ્ધ ખેડૂત કોઈ વેકસીનેશ સેન્ટરમાં જશે નહીં.
ગાઝીપુર બોર્ડર પર ધરણા કરી રહેલા ખેડૂતનો સંગઠનના નેતા જગતાર સિંહ બાઝવાએ કહ્યું હતુ કે, ખેડૂત લગભગ 4 મહિનાથી દિલ્હી બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. આમ છતાં કોઈ પણ ધરણા સ્થળમાં કોવિડ-19ના કેસ હજુ સુધી આવ્યા નથી. આંદોલન જે સમયે શરૃ થયું હતુ તે સમયે તો કોવિડ 19ના આજ કરતા વધુ કેસ હતા. જયારે આંદોલનકારી કોઈ પણ ખેડૂતના મોતનું કારણ કોરોના રહ્યો નથી. તેમણે સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, સરકાર આંદોલન ખતમ કરાવવા માંગે છે. તેથી જ કોરોનાની બીજી લહેરનો દેશમાં પ્રચાર કરી રહી છે. સરકારે આ પહેલા પણ લોકોના અવાજ દબાવી દેવા કોરોનાને આગળ કર્યો હતો.
ખેડૂત આંદોલનને ડર બતાવીને દબાવી શકાશે નહીં, તે વાત સરકારે સમજી લેવી જોઈએ. આંદોલનકારી ખેડૂત જ્યાં બેઠા છે ત્યાં જ બેસી રહેશે. તે કોઈ પણ પરિસ્થિતિમાં ઘરે જશે નહીં. આમ છતાં સરકાર ખેડૂત આંદોલનને દબાવવા કે ખતમ કરવા પ્રયાસ કરશે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવતા પણ ખેડૂત સંગઠનો અચકાશે નહીં. બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતુ કે, આ એક નવો રોગ જરૂર છે પરંતુ એટલો ભયાવહ નથી જેટલી ભયાનકતા હોવાનો દાવો સરકાર કરતી રહી છે. તેમણે ઉમેર્યું કે, માંગ પૂરી થાય તે પહેલા ખેડૂત ઘરે પાછા જવાના નથી. ખેડૂતો પોતાના માટે અને ભાવિ પેઢી માટે જ આંદોલન કરી રહ્યા છે.