કોરોનાની બીજી લહેરને કારણે ભારતની સામાજિક અને આર્થિક વ્યવસ્થાને માઠી અસર પહોંચતા સરકારે રાહત આપવા માટે અનેક પગલાંઓ ભર્યાં છે. જેનું પરિણામ હવે ધીમે ધીમે દેખાઈ રહ્યાનો દાવો સરકાર કરી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે મીડિયા સમક્ષ દેશની અર્થવ્યવસ્થા પાટે ચઢી હોવાનો જોરદાર દાવો કર્યો હતો. સરકારનું કહેવું છે કે, એપ્રિલમાં દેશનો એક્સપોર્ટ ગ્રોથ અનેક મોટી ઈકોનોમીથી વધારે છે. WTOના આંકડાઓ મુજબ એપ્રિલ 2020ની સરખામણીમાં એપ્રિલ 2021માં યુરોપીય સંઘનો એક્સપોર્ટ ગ્રોથ 68 ટકા, જાપાનનો 36 ટકા, દક્ષિણ કોરિયાનો 41 ટકા અને બ્રિટેનનો 32 ટકા તેમજ અમેરિકાનો 53 ટકા નોંધવામાં આવ્યો છે. જો કે સરકારે આ સમયગાળામાં ચીનની સાથે દેશના એક્સપોર્ટની સરખામણી કરી નથી. ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ દરમિયાન મંત્રી પિયુષ ગોયલે પત્રકારો સમક્ષ અહેવાલ રજૂ કરતા કહ્યું હતુ કે, કોરોનાને કારણે સર્જાયેલી વિષમ સ્થિતમાં પણ દેશમાં FDI વધ્યું છે.
કોરોનાની બીજી લહેરથી દેશમાં સામાજિક તથા આર્થિક ગતિવિધી અટકી હતી. આમ છતાં હવે દેશની અર્થવ્યવસ્થા પાટે જઈ રહી છે. એપ્રિલ 2021માં દેશે અત્યાર સુધીનો સૌથી વધારે એક્સપોર્ટ ગ્રોથ હાંસલ કર્યો છે. એપ્રિલ 2020ની સરખામણીમાં આ 201 ટકા છે. આટલો ગ્રોથ દેશમાં ક્યારેય હાંસલ થયો નથી. સરકારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન મારફતે આ આંકડા જાહેર કર્યા છે. જો કે એપ્રિલ 2020માં દેશમાં લોકડાઉન હતું, તેથી એપ્રિલ 2021માં એક્સપોર્ટ ગ્રોથ આટલો વધારે છે. એપ્રિલ 2019ની સરખામણીમાં દેશના એક્સપોર્ટમાં હાલનો વધારો 18 ટકા જેટલો છે. ગોયલે વધુમાં ઉમેર્યુ કે, 2020-21માં દેશને કુલ 81.72 અરબ ડોલરનું વિદેશી રોકાણ મળ્યું છે. 2021-22 નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં દેશમાં 6.24 અરબ ડોલર એટલે કે 466.40 અરબ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આ આંકડો એપ્રિલ 2020માં આવેલા વિદેશી રોકાણથી 38 ટકા વધુ છે.