સમગ્ર ભારતમાં કોરોનાના મહામારીના આ સંકટ સાથે સૌથી મોટી સમસ્યા ઓક્સિજનની બની ગઈ છે. દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનની અછતને કારણે દરરોજ હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. તેવા સમયે સરકારે આ મામલે ગંભીર બેદરકારી દાખવી હોવાની વિગતો બહાર આવી છે. કોંગ્રેસે કરેલા દાવા પ્રમાણે ઓક્સિજનની અછત અંગે સંસદીય સમિતિએ થોડા દિવસો પહેલાં જ સરકારને ચેતવણી આપી હતી. સમિતિના ૧૯૦ પાનાના અહેવાલમાં ૪૦ વખત ઓક્સિજનનો ઉલ્લેખ કરાયો હતો. આ સાથે જ સંભવિત પરિસ્થિતિ સર્જાઈ ન જાય તે માટે તાકીદે પગલા ભરવા સૂચન કર્યું હતુ. પરંતુ સરકારે સમિતિની ચેતવણીને ગણકારી ન હતી. દેશમાં દિલ્હી સહિત અનેક શહેરોની કોવિડ હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની અછત મોટી સમસ્યા છે. દરરોજ ઓક્સિજન માટે હોસ્પિટલના સંચાલકોએ પોતે જ મથામણ કરી પડી રહી છે. અત્યાર સુધી દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી જેવા રાજ્યોમાં ઓક્સિજનને અભાવે અનેક દર્દીના મોત થઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ સર્જાવા પાછળ કેન્દ્ર સરકારની ગંભીર બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ મુકાવા માંડ્યો છે.
કોંગ્રેસનાં વડપણ હેઠળની સંસદીય સમિતિએ સરકારને ફેબ્રુઆરીમાં જ ઓક્સિજનની અછત દૂર કરવા પગલાં લેવા માટે તાકીદ કરી હતી. પરંતુ આ ભલામણ કે સુચનની કોઈ દરકાર મોદી સરકારે લીધી ન હતી. આ સમિતિમાં ભાજપના ૧૬ સભ્યો છે છતાં કોઈ ગંભીરતા જણાઈ નહોતી. આ અંગે કોંગ્રેસનાં પ્રવક્તા અજય માકને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
હજુ પણ આ બંને પાર્ટી મુખ્ય સમસ્યાને બદલે લોકોનું ધ્યાન બીજે ખેંચવાની ફીરાકમાં છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો પૂરવઠો જાળવી રાખવાની ભલામણ કરતો રિપોર્ટ ફેબ્રુઆરીમાં જ સંસદમાં રજૂ કરાયો હતો. બજેટ સત્ર દરમિયાન સંસદીય સમિતિએ રજૂ કરેલા 190 પાનાના રિપોર્ટમાં સ્પષ્ટ રીતે સંભવિત સમસ્યા વિશે ફોડ પડાયો હતો. આઉટ બ્રેક ઓફ કોવિડ પેન્ડેમિક એન્ડ ઈટ્સ મેનેજમેન્ટ નામના આ અહેવાલમાં સરકારને ઓક્સિજન સિલિન્ડરની કિંમત ઘટાડવા ભલામણ કરાઈ હતી. સાથે જ દેશમાં આગામી દિવસોમાં ઓક્સિજનની જરુર પડે તે સ્થિતિ ચિંતાજનક બને તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી. સમિતિએ આપેલી ચેતવણીને સરકારે ગંભીરતાથી લઈને કામ કર્યું હોત તો ઓક્સિજનનો પુરવઠો પુરતી માત્રામાં દેશ પાસે હયાત હોત. સાથે જ ઓક્સિજનની તીવ્ર અછતની સમસ્યા નિવારી શકાઈ હોત. માકને વધુમાં કહ્યું હતુ કે, દિલ્હીમાં મંજૂર થયેલા ૮ ઓક્સિજન જનરેશન યુનિટમાંથી ફક્ત એક યુનિટને જ કાર્યરત કરી શકાયું છે. જે બાબત પણ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે. અજય માકને વધુમાં જણાવ્યું કે, સંસદિય સમિતિ દ્વારા 190 પાનાનો અહેવાલ ખૂબ જ મહેનત અને અભ્યાસ બાદ તૈયાર કર્યો હતો. તેમાં દરેક મુદ્દાની યોગ્ય છણાવટ કરાઈ હતી. આ રિપોર્ટમાં ૪૦ વખત ઓક્સિજન બાબતે ઉલ્લેખ કરાયો હતો. હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ, આઈસીયુ, વેન્ટિલેટર્સ વગેરેની સંખ્યામાં મોટાપાયે વધારો કરવા સુચન પણ કરાયું હતુ. આ તમામ બાબતોની સરકાર દ્વારા અવગણના થતાં આજે દેશે મોટી મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે.