ડાંગ જિલ્લાના અસલી રાજવી તરીકે પ્રસ્થાપિત કરી અનામત જંગલમાં ગેરકાયદેસર પેશકદમી કરતા કથિત રાજા સહિત 30 લોકો સામે ડાંગ વન વિભાગે અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. વન વિભાગનાં પગલાથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં આઝાદી બાદ પૂર્વ રાજવીઓ અને ભાઉ બંધુઓને રાજ્ય સરકાર દ્વારા પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓ સામેલ છે. હાલ ડાંગ જિલ્લામાં આદિવાસી સંગઠનો હેઠળ કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર કામોને અંજામ આપી ભોળા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી પોતાને ડાંગ જિલ્લાના છઠા રાજવી તરીકે ઓળખ આપી રહ્યા છે.
ચિચીનાગાવઠા રેન્જના ઝાવડા ડુંગરડા બીટમાં સમાવિષ્ટ કંપાર્ટમેન્ટ નંબર 303માં આહવા તાલુકાના ઉખાટિયા ખાતે રહેતા ગનસુ ગોટુ પવાર દ્વારા ડુંગરડા ગામે મિટિંગ કરવામાં આવી હતી. વાનરચોંડ, હનવતચોંડ, ઢૂંઢુંનિયા,વઘઇ, ઝાવડા સહિતના જુદાં જુદાં ગામોમાં જઈ જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વૃક્ષછેદનની પ્રવૃત્તિને અંજામ આપતો હોવાની ચોંકાવનારી વાતો સામે આવી હતી. કેટલાક નક્સલી પ્રવૃત્તિ કરતા તત્વો દ્વારા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર મંડળી રચી જંગલમાં વૃક્ષછેદન કરતા હોવાનું ચિચીનાગાવઠા રેન્જને જાણ થતાં તેઓએ ડીએફઓ દક્ષિણ ડાંગ વન વિભાગને આ મામલે જાણ કરી હતી. માહિતી મળતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જતા અસામાજિક તત્વો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના સંદર્ભે દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ રવિ પ્રસાદ તેમજ નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યા અને સ્ટાફે ગનસુ ગોટુ પવાર સહિત 30 જેટલા ટોળા સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.