સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલા સમગ્ર ગુજરાતમાં શરદ પૂનમની ઉજવણી થાય છે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન તો થાય જ છે પરંતુ સાથે સાથે દૂધ પૌઆનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદપૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌઆની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ રહેલો છે એમ કહી શકાય. શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકરવાળું દૂધ અને પૌઆ ખાવા અને પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી એવું આયુર્વેદમાં પણ લખવામાં આવ્યું છે. આ જ કારણ છે કે શરદ પૂનમમાં પણ દૂધ પૌઆ અને ગરબા રાખવામાં આવે છે કે તેની ભાગ્યે જ કોઈને ખબર હશે.
સુરતમાં હાલ એક જ દિવસમાં એક કરતાં વધુ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ ઋતુ બદલાય એટલે હવામાન બદલાય અને તેની સાથે જીવનશૈલી પણ બદલવાની જરૂર પડે છે. આ વાત લોકો સરળતાથી માનતા ન હોવાથી આયુર્વેદ આચાર્યએ આરોગ્યને શરદ પૂનમ સાથે જોડી દીધું હતું.
આયુર્વેદના જાણકાર તબીબો કહે છે, હાલ દિવસમાં આકરો તાપ અને રાત્રે ઠંડી પડે છે જેને કારણે પિત્તનો પ્રકોપ વધે એટલે બીમારી થાય. પિત્ત પ્રકોપને શાંત કરવા શરદ પૂનમનું મહત્વ છે. આ દિવસોમાં ઠંડા પહોરે પરસેવો થાય તેવી કસરત કરવાની હોય છે તેથી ગરબાનું મહત્વ રહે છે. જ્યારે સાકર નાખેલા દૂધમાં પૌઆનું સેવન કરવાથી પિતનું શમન થાય છે અને અને શરીર સ્વસ્થ રહે છે.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અનેક લોકો શરદ પૂનમના દિવસે રાત્રીના સમયે સાકરવાળું દુધ અગાસી પર ચાંદનીના પ્રકાશમાં મુકવામાં આવે છે. લોકોમાં એવી માન્યતા છે કે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. આ ચાંદનીના પ્રકાશની ખીર કે દૂધ મુકવામાં આવે છે પછી તેને આરોગવામાં આવે છે. ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે.