મુમુક્ષુરત્ન ચિરાગભાઈ મુનિશ્રી ચરણસારરત્ન વિજયજી બની પંન્યાસ યશરત્નવિજયજી મહારાજના શિષ્ય બન્યા. આ પાવન પ્રસંગે આ. અભયચન્દ્રસૂરિજી, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિજી મહારાજ, પંન્યાસ યશરત્નવિજયજી મહારાજ આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોએ નિશ્રાપ્રદાન કરી હતી

સોરઠની આન, બાન અને શાન વધારવા ગરવા ગિરનાર તીર્થના રાજા અને જૈનોના ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથ દાદાના વિશાળ પટંગણમાં બંધાયેલ વિરતિના વૃંદાવનમાં પ્રેમ-ભુવનભાનુ સમુદાયના દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસૂરિજી મહારાજના શ્રમણી ગચ્છનાયક જૈનાચાર્ય રશ્મિરત્નસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં મુમુક્ષુરત્ન ચિરાગભાઈ ની ભાગવતી પ્રવ્રજ્યા થઈ હતી. આ પાવન પ્રસંગે આ. અભયચન્દ્રસૂરિજી, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિજી મહારાજ, પંન્યાસ યશરત્નવિજયજી મહારાજ આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોએ નિશ્રાપ્રદાન કરી હતી. સુરત, અમદાવાદ, મુંબઈ વગેરે શહેરોમાંથી શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સવારે ૧૦-૦૦ કલાકે દીક્ષાવિધિનો પ્રારંભ થયો હતો. મુમુક્ષુ ચિરાગભાઈને લાભાર્થી પરિવારે વિજયતિલક કરીને પાપમય સંસારમાંથી વિદાય આપી હતી. કર્મ મહાસત્તા સામે સંગ્રામ ખેલવા માટે મુમુક્ષુને વિજયતિલક કરવામાં આવે છે. જમાનાવાદના જડબામાં જ્યારે યુવાધન ચવાઈ રહ્યું છે ત્યારે યૌવનવયને પામેલા યુવાનો જ્યારે વિરતિ માર્ગને સ્વીકારે છે એ વિશ્વની આઠમી અજાયબી ગણાય. એકવીસમી સદીમાં મહાવીર પ્રભુના માર્ગે પ્રયાણ કરવું તે એક ક્રાન્તિ કહેવાય. માનવના જીવનમાં શાંતિ ગાયબ થઈ છે ત્યારે પરમનો સ્પર્શ કરવા માટે સત્ત્વ અને શૌર્યની સમશેર જોઈએ. અધ્યાત્મનું અજવાળું પાથરવા માટે અંતરાત્માની ખોજ કરવાની છે. એમ પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું.
સંસારના વાઘાનો ત્યાગ કરી સંયમના વેશમાં સજ્જ બનીને જ્યારે મુમુક્ષુની પધરામણી થઈ ત્યારે ‘નૂતન દીક્ષિત અમર રહો’ ના જયઘોષ વચ્ચે વાતાવરણ દિવ્ય અને ભવ્ય બન્યું હતું. મુમુક્ષુ ચિરાગભાઈ નું સંયમ જીવનનું નૂતન નામ મુનિશ્રી ચરણસારરત્ન વિજયજી રાખવામાં આવ્યું હતું. નૂતન મુનિવર પંન્યાસ યશરત્નવિજયજી મહારાજના શિષ્ય બન્યા હતા. આચાર્યશ્રીએ હીતશિક્ષા પ્રદાન કરી હતી. સાધ્વીજી ભગવંતની વડી દીક્ષા પણ થઈ હતી.