દિક્ષા નગરી સુરતમાં વધુ એક જૈન દિકરીએ સંયમનો માર્ગ અપનાવ્યો છે. સુરતના લોકો હવે દાનવીરથી આગળ વધીને સયંમી જીવન જીવવા તરફ પણ આગળ વધી રહ્યા છે. જેમાં સુરતમાં વસતા જૈન ધર્મના લોકોમાં દીક્ષા લેવાનું પ્રમાણ વધતાં સુરતની ઓળખ દીક્ષા નગરી તરીકે થવા માંડી છે. એક વર્ષ પહેલા એકસાથે જૈન સમાજના 100થી પણ વધુ યુવકો અને યુવતીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યાં જ હવે ડાયમંડ અને બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની પુત્રીએ વૈભવી જીવનનો ત્યાંગ કરી દીધો છે.
સંયમનો માર્ગ અપનાવનાર આ યુવતીનું નામ રેન્સી છે. રેન્સી સુરતના પાલ વિસ્તારમાં આવેલા શંખેશ્વર હાઈટ્સમાં પરિવાર સાથે રહેતી હતી. ડાયમંડ અને બિલ્ડરનો ધંધો કરતા જયેશ સેવંતીલાલની દીકરી રેન્સીની ઉંમર 17 વર્ષ છે. હાલમાં જ સુરતના પાલ RTO નજીક તેનો દીક્ષા સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં એક સાથે 250 કરતા વધારે લોકોએ દીક્ષા ગ્રહણ કરી હતી. રેન્સી 10 વર્ષની હતી તે સમયે તે તેના ફોઈને વેકેશનમાં મળવા માટે જતી હતી. તેના ફાઈ ખૂબ જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા.

21 વર્ષ પહેલા પહેલા તેના ફોઈએ 2000માં સંયમનો માર્ગ અપનાવી લીધો હતો. તેની ફોઈનું નામ સાધ્વી અર્પિતાપૂર્ણાજી મહારાજ છે. રેન્સી જ્યારે 7માં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી જ તેના પર જૈનધર્મના અનુશાસનનો પ્રભાવ વર્તાતો હતો. તેની ઈચ્છા ધાર્મિક માર્ગે આગળ વધવાની જ હતી. અત્યાર સુધી ફોઈ પાસે સતત સમય વીતાવતી રેન્સીએ પરિવાર સમક્ષ સયંમી જીવનનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને પરિવારના સભ્યોએ ગ્રાહ્ય રાખ્યો હતો. રેન્સીએ ગચ્ચાધિપતિ અભયદેવસુરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી છે. રેન્સીના પરિવારના સભ્યોએ દીકરીના દીક્ષા કર્યા પહેલા ત્રણ દિવસના ઉત્સવનું આયોજન થતા ધાર્મિક લોકો તેમાં હાજર રહ્યા હતા.