ઉત્તરાખંડને માથે ફરી કુદરતે આફત ખડકી દીધી છે. શનિવારે જોશીમઠ પાસે ખીણમાં મોડી રાતે ગ્લેશિયર ફાટી જતાં મોટી તબાહી થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયાની પૃષ્ટિ પ્રશાસને કરી છે. આ સાથે જ 384 જેટલા શ્રમજીવીઓને રાહત અને બચાવ માટે કામ કરતી ટુકડીએ બચાવી લીધી છે. ઉત્તરાખંડમાં ચીન સરહદ પાસે આવેલા જોષીમઠ પાસે આવેલી ખીણમાં શનિવારે મોડી રાતે ગ્લેશિયર ફાટતા ફરી તબાહી સર્જાઈ હતી. ઘટના બાદ સેનાએ તાબડતોબ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી. સેનાએ ૧૦ મૃતદેહો શોધી કાઢવા સાથે 384 મજૂરોને ઉગારી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે આ વિસ્તારમાં રસ્તો બનાવી રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના ૩૮૪થી વધુ લોકો ફસાઈ ગયા હતા. દુર્ઘટના સર્જાઇ તે સડક નજીક જ બીઆરઓ કેમ્પ આવેલો હતો. તે ઉપરાંત સેનાનો એક કેમ્પ બીઆરઓના સુમના સ્થિત કેમ્પથી ત્રણ કિ.મી.ના અંતરે હતો. જે સ્થાને દુર્ઘટના સર્જાઇ ત્યાં વીતેલા પાંચ દિવસથી ભારે વરસાદ અને બરફવર્ષા થઇ રહી છે. ગ્લેશિયર તુટી પડતાં વિસ્તારમાં હીમપ્રપાત પણ થતાં રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ હતી. જો કે, હજી પણ આ રાહત બચાવ કામગીરી ચાલુ રખાઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે ઘટના બાદ એલર્ટ જાહેર કરી સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. રાવતે સુમના વિસ્તારનું હવાઇ સર્વેક્ષણ પણ કરીને સેના અને સ્થાનિકોને રાહત તથા બચાવ કામગીરીમાં જોડાવા અપીલ કરી હતી. દુર્ઘટના સર્જાયા પછી રાવતે ટ્વિટ કરીને લખ્યું હતું કે, નીતિ ખીણના સુમના ખાતે ગ્લેશિયર તુટવાની માહિતી મળી છે. તે સંબંધમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હું જિલ્લા વહીવટીતંત્ર અને બીઆરઓના સતત સંપર્કમાં છું. જિલ્લા વહીવટીતંત્રને ઘટનાની પુરી જાણકારી મેળવવા સુચના અપાઈ છે. એનટીપીસી સહિતની પરિયોજનાના કામ રોકવાના આદેશ આપી દેવાયા છે.
જોશીમઠમાં ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. હજી ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. બીજી તરફ બોર્ડર ટાસ્ક ફોર્સના કમાન્ડર કર્નલ મનીષ કપિલે જણાવ્યું હતું કે, જોશીમઠ ઉપર ગ્લેશિયર ફાટતાં તત્કાલ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કેટલું નુકસાન થયું તે અંગે પુરી માહિતી મળી શકી નથી. ખરાબ હવામાન અને રસ્તા બ્લોક થવાથી દુર્ઘટના સ્થાનેથી માત્ર ૩ કિ.મી.ના અંતરે જ આવેલી લશ્કરી છાવણીની બચાવ ટુકડીને સ્થળ સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો. ભારે બરફવર્ષા થઇ રહી હોવાથી રસ્તા હજી બ્લોક છે. હવામાન વિભાગે ચેતવણી આપી હતી આગામી ૨૮ કલાકમાં ચમોલીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થઇ શકે છે. આ અગાઉ જોશીમઠના ચમોલી જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં ગ્લેશિયર ફાટતાં ધોળી ગંગા નદીમાં ભારે પુર આવ્યું હતુ. પુરના પાણીમાં રાજ્યના બે હાઇડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટ પણ તણાય ગયા હતા.