ગુજરાતમાં કોરોનાના સંકટ અને મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે ખેડૂતોની મુશ્કેલી દૂર થવાનુ નામ લેતી નથી. ગત 10 દિવસમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પડ્વા સાથે વરસાદ પણ થયો છે. તેથી ખેતીને મોટાપાયે નુકસાન થયું છે. આ બાબતની ચિંતામાં મુકાયેલા ખેડૂતોને માટે વધુ એક માઠા સમાચાર ખાતર કંપનીઓ તરફથી મળી રહ્યા છે. ખેતી માટે પાયાના ફોસ્ટેટિક ખાતરોની કિંમતોમાં કંપનીઓએ ૫૦થી ૫૮ ટકા સુધી વધારો કરવાનો નિર્ણય લઈ લીધો છે. વળી, ૧લી મેથી તેનો અમલ પણ શરુ કરી દીધો છે. ખાતરના ભાવ વધારા સાથે જ રાજ્યના ૫૪ લાખ ખેડૂતોની મુશ્કેલી વધી જવાના સ્પષ્ટ એંધાણ છે. મળતી વિગતો મુજબ ફેબ્રુઆરીમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી વખતે ગુજરાત સરકારે ભારત સરકારને દબાણ કરીને ખાતરમાં થયેલા ભાવ વધારો પાછો ખેંચાવ્યો હતો. બીજી તરફ ગુજરાત બાદ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની હતી. તેથી મોદી સરકારે ખાતર કંપનીઓને ભાવ ન વધારવા તાકીદ કરી હતી. જો કે, હવે બંગાળ સહિતના વિસ્તારોમાં ચુંટણી પૂર્ણ થઈ છે. જયારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દોઢ વર્ષ પછી યોજાવાની છે. આવા સંજોગોમાં ખાતર કંપનીઓને લાંબ સમય સુધી રોકી શકાય તેમ નથી. આખરે સરકારે ઈફ્કો, ક્રિભકો, GSFC, બિરલા બલવાન, આઈપીએલ, હિન્દકો, ટાટા સહિતની કંપનીઓને ભાવ વધારાની છુટ આપી છે.
સુત્રોના જણાવ્યા મુજબ સરકારની લીલીઝંડી પછી સરકારી, સહકારી અને ખાનગી ક્ષેત્રની આ કંપનીઓએ ૧લી મેથી એક થેલી NPK ગ્રેડ-૨ના રૂા. ૧૯૦૦, NPK ગ્રેડ-૧ના રૂા. ૧,૭૭૫, NPSના રૂા. ૧,૩૫૦, એક્મો સલ્ફેડના રૂા. ૭૩૫ કરી દીધા છે. અમરેલીના ખાંભા તાલુકાના વાંકિયા ગામના ખેડૂત ભાનુભાઈ કોઠિયાના મતે આ ભાવ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. GSFC એ ગુજરાત સરકારની માલિકીની કંપની છે, આ કંપનીએ પણ ભાવ વધારાનો નિર્ણય કર્યો છે. ખેડૂત ભાનુભાઈના જણાવ્યા પ્રમાણે પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવાથી ખાતરનો ભાવ વધારો સ્થગિત રખાવી ભાજપે ફાયદો લેવાનો પ્રયાસ કર્યો છે. કોરોનાને કારણે ખેડૂત પરિવારો પણ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. માર્કેટયાર્ડો બંધ છે, તેથી રોકડમાં પાક વેચી શકાતો નથી. બીજી તરફ જાણકારોના મતે આ ભાવ વધારા માટે ઈન્ટરનેશનલ માર્કેટમાં ફોસ્ફેટના રોમટિરિયલનો ભાવ વધ્યો અને ડોલર સામે રૂપિયો નબળો પડયો તેવા કારણ જવાબદાર છે. એક અંદાજ મુજબ આ ભાવ વધારાથી ગુજરાતના 54 લાખ ખેડૂતોને માથે વાર્ષિક રૂા. ૧૪૦૦ કરોડનું ભારણ આવશે.