બુધવારે પાટણના સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામેથી એકસાથે બોટલમાં ભરાયેલા 13 જેટલાં ભ્રૃણ મળી આવતાં લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. જયારે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ હવે તાવડીયા પાસેની આ ખુલ્લી જગ્યામાં બોટલમાં આ ભ્રૃણ કોણ ફેંકી ગયું તેની તપાસ શરૂ કરી છે. સમગ્ર કિસ્સામાં ગેરકાયદે ગર્ભપાતની આશંકા છે. પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ મહિસાગરના સંતરામપુરમાં નર્સો દ્વારા ગેરકાયદે અમાનવીય ગર્ભપાત કરાવાતો હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, સિદ્ધપુરના તાવડીયા ગામ પાસેથી પસાર થઈ રહેતા સ્થાનિકોને બુધવારે પ્લાસ્ટિકની બોટલોમાં કોઈ કશુ મુકી ગયાનું જણાયું હતુ. જે બાદ સ્થાનિકોએ બોટલમાં તપાસ કરી તો બોટલમાં નવજાત શિશુઓનાં ભ્રૃણ હોવાનું માલુમ પડ્યું હતુ. આખરે આ મામલે પોલીસને જાણ કરાતા એક ટીમ સ્થળ પર પહોંચી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળ પરથી પ્લાસ્ટિકની થેલીમાં મુકાયેલી 13 બોટલ કબજે કરી હતી. પોલીસે બોટલમાં રહેલી વસ્તુની તબીબો પાસે તપાસ કરાવી તો તમામ બોટલોમાં ભ્રૃણના અવશેષો હોવાની પૃષ્ટિ થઈ હતી. બીજી તરફ તાવડીયામાં ભ્રૃણ મળ્યાની વાત વાયુ વેગે પ્રસરતા સ્થાનિક લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચીને અધિકારીઓ પણ તપાસમાં જોતરાઈ ગયા હતા.