બ્રિટનમાં 12 દિવસથી દેખા દીધેલા કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયા ચિંતામા મુકાઈ ગઈ છે. આ ઘટના બાદ બ્રિટન સાથેનો તમામ વ્યવહાર દુનિયાએ કાપી નાંખ્યો છે. જો કે, 15 દિવસમાં વિવિધ દેશમાં બ્રિટનથી પહોંચેલા નાગરિકોની તપાસ થઈ રહી છે. દરમિયાન યુકેથી સુરત માતા-પિતાને મળવા માટે આવેલી પરિણીતા કોરોના પોઝિટિવ નીકળતા જ તંત્ર દોડતું થઈ ગયું છે. પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેન પણ કોરોનાથી સંક્રમિત નીકળતા ત્રણેયને સુરત નવી સિવિલના કોવિડ-૧૯ હોસ્પિટલના વોર્ડમાં ખસેડીને સારવાર કરવામાં આવી રહી છે.
બ્રિટનથી આવેલી પરિણીતાના પિતાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ છતાં તકેદારીના ભાગરૃપે તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. હવે ત્રણેય દર્દીઓમાં કોરોનાનો નવો સ્ટ્રેન છે કે નહી? તેની ચોકસાઈ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ યુકે નિવાસી ૩૨ વર્ષીય પરિણીતાને તેણીના જોબના સ્થળે ક્રિસમસની રજા હોવાથી તે ગત તા. ૧૦ ડિસેમ્બરના રોજ સુરતના હજીરા વિસ્તારમાં રહેતા માતા-પિતા અને બહેનને મળવા આવી હતી. જે બાદ ૨૦મીએ આ પરિણીતા યુકે પરત જવા નીકળી હતી. જો કે, તેના પિતા તેને એરપોર્ટ મુકવા જઈ શકે તેમ ન હતુ. તેથી તેની ૫૪ વર્ષીય માતા પુત્રીને દિલ્હી એરપોર્ટ મૂકવા ગઈ હતી. આ જ દરમિયાન બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવતા ભારતથી ફ્લાઈટ રદ થઈ ગઈ હતી.
અને પરિણીતાને માતા-પિતાના ઘરે પરત આવવું પડયું હતું.
બીજી તરફ આરોગ્ય વિભાગે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોની તપાસ શરૂ કરતા આ પરિણીતાના સગડ મળ્યા હતા. સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત તા. ૨૭મીએ પરિણીતાના સંપર્કમાં આવેલા માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પરિણીતા તેમજ તેણીની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દીને મંગળવારે સાંજથી સિવિલના કોવિડ-૧૯ હોસ્પિટલંના વોર્ડમાં ખસેડાયા છે. આ તમામ દર્દીના જરૂરી સેમ્પલ લઈને આરોગ્ય વિભાગે તેને પુણેની લેબોરેટેરીમાં મોકલી આપ્યા છે.
બીજી તરફ અમદાવાદમાં ૨૨મી ડિસેમ્બરે લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવેલા ૨૭૫ મુસાફરોના RTPCR ટેસ્ટ કરાયા હતા. જે પૈકી ચારનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિ.ની ટીમોએ એક મહિનામાં બ્રિટનથી આવેલા ૩૫૦ને શોધી કાઢયા હતા. જેના ટેસ્ટ થતાં આઠ મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદમાં જ બ્રિટનથી આવેલા કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગ સાથે સરકાર ચિંતામાં મુકાઈ છે. ૧૧ દર્દીઓ હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. આ તમામ દર્દીઓના લોહીના નમુના લઇ પુના મોકલાયા છે. નવા વાઇરસનો સ્ટ્રેન છે કે નહીં તેનો રિપોર્ટ શુક્રવારે સાંજ સુધીમાં આવી જશે. દરમિયાન પોરબંદરમાં બ્રિટનથી આવેલા ૯૯ પૈકી ચાર નાગરિકોના સગડ મળ્યા નથી. એક માસમાં બ્રિટનથી કુલ ૯૯ નાગરિકો પોરબંદર આવ્યા હતા. તેમાંથી ૯૫ નાગરિક ટ્રેસ કરવામાં આવ્યા છે. પરંતુ ચાર નાગરિકોના મોબાઈલ બંધ આવતા હોવાથી અને નામ સરનામાં ટૂંકા તથા સાચા ન હોવાથી આ નાગરિકોને શોધવામાં મુશકેલી પડી રહી છે.