ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કાયદો છે. તે છતાં પણ બુટલેગરો અનેક નવી નવી રીતોથી સાંઠગાંઠ કરી પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂની સપ્લાય કરતા રહે છે. બોર્ડર પરથી દારૂ ઘૂસાડી રહ્યા હોય તેવી અનેક ઘટનાઓ આ પહેલા પણ સામે આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની બોર્ડરમાં રાજસ્થાનથી અને દક્ષિણ ગુજરાતની બોર્ડરમાં વલસાડ અને તેના આસપાસના જિલ્લાથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવામાં આવે છે. હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ચેક પોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. આ નિર્ણય બાદ ક્યાંકને ક્યાંક સરકાર પણ એક વાત માની રહી છે કે ગુજરાતમાં દારૂ પોલીસની રહેમનજર હેઠળ જ સપ્લાય કરવામાં આવે છે. ચેક પોસ્ટ પર જો પોલીસ યોગ્ય રીતે કામ કરે તો દારૂ ગુજરાતમાં પ્રવેશી શકે જ નહીં. આ નિર્ણય બાદ એ વસ્તુ પણ છતી થઇ રહી છે કે શું ગુજરાત પોલીસ પર ગૃહમંત્રીને ભરોસો રહ્યો નથી કે આવો નિર્ણય કરવો પડ્યો.
ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની મહત્વની જાહેરાત કરી છે કે તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરા લગાવવામાં આવશે જે ફેસ ડિટેક્શન સાથે આધુનિક કેમેરા હશે. રાજસ્થાન બોર્ડર પરની શામળાજી સહીત આંતરરાજ્ય બોર્ડરો પર હવે સીધી નજર રાખવામાં આવાશે તેઓ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દારૂની હેરાફેરી અટકાવવા માટે સીસીટીવી નેટવર્ક ઉભું કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હવે ચેકપોસ્ટ પર ફરજિયાત ફેસ ડિટેક્શન વાળા CCTVના પહેરો લગાવ્યા બાદ મહદઅંશે દારૂની ઘૂસણખોરીના કિમિયા કરતાં કાવતરા ખોરોની કમર તૂટશે.
ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર સલામતી (પગલા) અમલીકરણ વિધેયક રજૂ કરાયું છે. આ બિલ રજૂ કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, 30 દિવસ સુધી CCTV ફૂટેજ સાચવી રાખવા પડશે. બાગ-બગીચા અને જાહેર સ્થળોના સીસીટીવી ફૂટેજ સાચવવાના રહેશે. આ વિધેયક અંતર્ગત પબ્લીક સેફ્ટી સમિતિ બનાવવામાં આવશે. આ ઉપરાંત પબ્લીક સેફ્ટી સબ કમિટી બનાવી શકાય છે. આ કમિટી દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા લગાવનાર સંસ્થાઓને નોટીસ આપી ખુલાસો માંગી શકાશે.
જો કે સીસીટીવી લગાવવાની આ વાત સામે આવતાં જ ગુજરાત પોલીસ પર સરકારને શંકા હોવાની વાત પણ સામે આવી છે. જો કે એ વાત પણ સાચી જ છે કે ગુજરાતમાં પોલીસના રહેમનજર હેઠળ જ દારૂનો વેપાર ચાલી રહ્યો છે. સરકાર પણ આ વાત જાણતી હતી કે ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે પોલીસ મદદગાર સાબિત થઇ રહી છે અને તેથી જ સરકારે આવો નિર્ણય લેવો પડ્યો.