અત્યાર સુધી અનિલ કપૂરની ફિલ્મ નાયકમાં એક દિવસના મુખ્યમંત્રીની પ્રસ્તાવના રજૂ થઈ હતી. જયારે હવે ભારતના ઉત્તરાખંડમાં આ પ્રસ્તાવના હકીકતમાં સાકાર થશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે આગામી 24 જાન્યુઆરીના રોજ બાલિકા દિવસે દોલતપુર ગામની સૃષ્ટિ ગોસ્વામીને એક દિવસ માટે બાળ મુખ્યમંત્રીની સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ઉત્તરાખંડની વિધાનસભાના રૂમ નંબર 120મા બાળ વિધાનસભાનું આયોજન પણ કરાશે. જેમાં 12 વિભાગો દ્વારા પોતાના કામકાજોનો ચિતાર રજૂ કરશે. ઉત્તરાખંડ બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ઉષા નેગીએ આ આયોજન અંગેનો સમગ્ર રિપોર્ટ મુખ્ય સચિવ ઓમપ્રકાશને મોકલ્યો છે. ઉષા નેગીએ કાર્યક્રમ વિશે કહ્યું હતુ કે, 24 જાન્યુઆરીએ બાળકીઓના સશક્તિકરણ માટે આયોગે એક વિશેષ આયોજન હાથ ધર્યું છે. જેમાં હોંશીયાર વિદ્યાર્થિનીને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવાનો કાર્યક્રમ છે. બાળ વિધાનસભા બપોરે 12:00-3:00 વાગ્યા સુધી એક મુખ્યમંત્રી તરીકે સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડના વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે.
સૃષ્ટિ ગોસ્વામી BSM, PG કોલેજની વિદ્યાર્થિની છે અને તે B.sc એગ્રીકલ્ચર કરી રહી છે. મે 2018મા બાળ વિધાનસભામાં બાળ ધારાસભ્યો તરફથી તેનું સિલેક્સન મુખ્યમંત્રી તરીકે થયું હતુ. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષે બાળ મુખ્યમંત્રીનું સિલેક્શન કરવામાં આવે છે. 24મીએ યોજાનારા કાર્યક્રમ દરમિયાન રાજ્યના વિવિધ વિભાગનો હવાલો સંભાળતા અધિકારીઓ બાળ વિધાનસભામાં 5-5 મિનિટ પોતાના વિભાગોની કામગીરી અને ભાવિ આયોજનોનો ચિતાર બાળ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે. ઉત્તરાખંડમાં યોજાનાર બાળવિધાનસભા અને તેમાં મુખ્યમંત્રી તરીકે કામ કરવા માટે પસદંગી થવાની વાત પર સૃષ્ટિ ગોસ્વામી અને તેના પરિવારજનોમાં આનંદ છવાયો છે. સૃષ્ટિ ગોસ્વામી પિતાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતુ કે, એક દીકરી આ લક્ષ્ય મેળવી શકે છે તો કોઈ બીજું કેમ નહીં? આ એક ઉદાહરણ છે, બધા લોકોએ તેમાંથઈ પ્રેરણા લેવી જોઈએ. જયારે સૃષ્ટિ ગોસ્વામીની માતાએ કહ્યું હતુ કે, હું ગર્વની લાગણી અનુભવી રહી છુ. દીકરી કોઇથી ઓછી નથી હોતી. હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનુ છું કે તેમણે અમારી દીકરીને આ કાર્યક્રમમાં મુખ્ય ભુમિકા અદા કરવા માટે પસંદગી કરી છે. દીકરીઓ આજના સમયમાં બધુ જ કરી શકે છે અને દીકરી દરેક લક્ષ્ય મેળવી શકે છે તેથી કોઈ તેની અવગણના નહીં કરે.