સમગ્ર દુનિયામાં તરખાટ મચાવી રહેલા કોરોનાની બીજી લહેરથી ભારતને સૌથી વધુ નુકસાન પહોંચી રહ્યું છે. એપ્રિલ મહિનાના બીજી પખવાડિયામાં ગુજરાતમાં પણ દરરોજ 15 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ અને સરેરાશ 150ના મોત નોંધાયા હતા. આ દરમિયાન અહીં સૌથી મોટી સમસ્યા ઈન્જેકશન, દવા અને ઓક્સિજનની અછતની રહી હતી. રાજ્યમાં એકસાથે કોરોના દર્દીઓનો રોફડો ફાટતા અનેક હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા હતા. રાજયમાં સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં હવે સેવાભાવી સંસ્થા અને લોકો જરુરિયાતમંદોની મદદે આવી રહ્યા છે. હાલમાં વલસાડ જિલ્લાની એક દીકરીએ અમેરિકાથી પોતાના દેશ ભારતમાં મદદ કરી છે.
પારડી તાલુકાના દશવાડા ગામની વહુ અને પરિયાના સુભાષભાઈ છોટુભાઈ દેસાઈની દીકરી રૂપા દેવાંગ કાળીદાસ દેસાઈ ઘણાં સમયથી અમેરિકામાં વસવાટ કરે છે. હાલમાં તેમણે ગુજરાતમાં કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ જાણી હતી. જે બાદ તેનું મન દ્રવી ઉઠ્યું હતુ. આખરે તેણીએ ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે. જેને મુંબઈની કેતન અને પાર્થવ નામના શખ્સોની એસ.કે. એજન્સીઝે કસ્ટમમાંથી ક્લિયર કરાવ્યું હતુ. જે બાદ ઈન્જેકશનનો જથ્થો ભારત સરકારને વિતરણ માટે સોંપી દેવાયો હતો. રૂપા દેવાંગ નાયક દશવાડાના કાળીદાસ નાયકના પુત્રવધૂ છે. કાળીદાસ નાયક ભૂતકાળમાં મફતલાલ ગ્રૂપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડન્ટનાં હોદ્દા ઉપર હતા. પારડીનો આ નાયક પરિવાર પહેલાથી જ સેવાકાર્યો સાથે સંકળાયેલો રહ્યો છે.
હાલમાં અમેરિકાથી આ જ પરિવારની દીકરી રૂપાબેને ભારતને રૂા.35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશન મોકલીને મોટી મદદ કરી છે. હવે બહુમૂલ્ય જીવનરક્ષક ઈન્જેકશનથી અનેકની જીદંગી બચી જાય તેવી આશા આ પરિવાર રાખે છે. દીકરીએ દાખવેલી સેવાભાવનાની હાલ વલસાડ જિલ્લામાં પ્રંશસા થઈ રહી છે.