કોરોના વાઇરસના સંક્રમણ સામે ભારતને વધુ એક દવા મળશે. ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને વિકસાવેલી કોરોનાની દવા 2 ડીજીનો પહેલો જથ્થો આજે લોન્ચ થશે. સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે એ દવા લોન્ચ કરશે. આ દવા લોન્ચ થાય તેના એક બે દિવસ બાદ દવા લોકોને મળતી થઇ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદની ડૉક્ટર રેડ્ડીની લેબમાં આ દવાના 10 હજાર ડોઝ તૈયાર થઇ ગયા છે. સરંક્ષણ મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, કોવિડ 19ના મધ્યમ તથા ગંભીર લક્ષણવાળા દર્દીઓ પર આ દવાનો ઇમરજન્સી ઉપયોગ કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજુરી આપી દીધી છે. યાદ રહે કે કોરોનાના નવા કેસોમાં સતત થઇ રહેલા વધારાને જોતાં ડીસીજીઆઇએ આ દવાને ઇમરજન્સી ઉપયોગ માટે છુટ આપી છે. હવે ડીઆરડીઓના મુખ્યાલયમાં આજે એક કાર્યક્રમમાં બંને કેન્દ્રિય મંત્રીઓએ આ દવાના પહેલા જથ્થાને લોન્ચ કરી હતી.
સરંક્ષણ મંત્રાલયનું કહેવું છે કે કોવિડ 19ની બીજી લહેરને કારણે મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. આ દવા કોરોનાના સામાન્યથી ગંભીર દર્દીઓને આપી શકાય છે. 2 ડી ઓક્સિડી ગ્લૂકોઝ દવા દર્દીઓને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે અને ઓક્સિજન પર નિર્ભરતા ઓછી કરશે. કોરોનાની સામેના જંગમાં ડીઆરડીઓની નવી દવા આશાનું કિરણ લઇને આવી છે. આ દવાનું નામ 2 ડી ઓક્સિ ડી ગ્લૂકોઝ ( 2 ડીજી ) છે. ડીઆરડીઓની આ દવા એવા સમયે આવી છે કે જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જ બીજી લહેર વખતે દેશભરમાં ઓક્સિજનની અછત વર્તાઇ હતી. બીજી લહેરમાં વિક્રમસર્જક મોત થયા છે અને સ્વાસ્થ્ય સંસાધનો ઉપર ભારે દબાણ આવ્યું હતું. ડીઆરડીઓની આ દવા પાવડરરૂપે છે. તે પેકેટમાં આવે છે અને તેને પાણીમાં નાંખીને પી જવાની હોય છે.