દ્વારકાના જગતમંદિર ઉપર મંગળવારે સાંજે વીજળી ત્રાટકી હતી. જેને કારણે માત્ર ધ્વજાદંડને નુકસાન થયું હતુ. જયારે મંદિરને ઉંની આંચ સુદ્ધા આવી ન હતી. ઘટનામાં મંદિરની કાંકરી પણ નહીં ખરતા ઘટનાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. દેશ અને દુનિયાના લાખો -કરોડો ભક્તો આ ઘટનાને ચમત્કાર માનીને ભગવાનની ઉપસ્થિતિને કારણે જ આ શક્ય હોવાનું કહી રહ્યા છે. વીજળી પડવા છતાં મંદિરની કાંકરી સુદ્ધા ન કરતાં દ્વારકાવાસીઓમાં પણ મંદિર પ્રત્યેની શ્રદ્ધા વધુ ઘેરી બની છે. જેથી બુધવારે મંદિર ખૂલતા જ કાળિયા ઠાકોરના જયઘોષ સાથે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ સમયે અનેક ભક્તોએ કહ્યું હતુ કે, જેની રક્ષા ખુદ દ્વારકાધીશ કરે, તેનું કોઈ કાંઈ બગાડી શકે નહીં.
1965ની 7મી સપ્ટેમ્બરે ભાદરવા સુદ બારસે પાકિસ્તાન નેવીએ સંયુક્ત ઓપરેશન કર્યું હતુ. જેમાં ભારતીય જળસામીએથી પાકિસ્તાનના પાંચ સમુદ્રી યુધ્ધ જહાજ પીએનએસ ટીપ સુલ્તાન, પીએનએસ શાહજહા, પીએનએસ બાબર, પીએનએસ આલમગીર, પીએનએસ બદરે મધરાતે દ્વારકાના મંદિર ઉપર માત્ર 20 મિનિટમાં 156 શક્તિશાળી બોમ્બ વરસાવ્યા હતા. પરંતુ આમ છતાં મંદિરને કાંઈ થયું ન હતુ. ભક્તો માને છે કે તે સમયે જગત મંદિરને ટાર્ગેટ કરી બોમ્બમારો કરાયો હતો. પરંતુ મરીન એન્જિનિયરિંગ દરિયાઈ મોજાના અપ-ડાઉન અંગેની ગણતરીમાં થાપ ખાઈ જતા બધા બોમ્બ મંદિરની ઉપરથી પસાર થઈ ગયા હતા. જેને કારણે તે બધા બોમ્બ દ્વારકાની માનવ વસાહતથી દૂર ઝાડી ઝાંખરામાં પડયા હતા. ત્યારથી ભગવાન દ્વારકાધીશનો આભાર માની વામન જયંતિના દિવસને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે પાક.ના આ હુમલા બાદ દ્વારકામાં 2021માં બીજી ઘટના વીજળી પડવાની બની છે. આમ છતા મંદિર સલાતમ છે. ભગવાન દ્વારકાધીશ જ પોતે આ મંદિર અને દ્વારકા નગરીનું રક્ષણ કરી રહ્યા છે.