સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. રાજ્યમાં દરરોજ ધીમે ધીમે સરેરાશ કેસની સંખ્યા પણ વધી રહી છે. બીજી તરફ રાજય સરકાર હજી આ મુદ્દે જોઈએ તેટલી ગંભીર બની નથી. આમ છતાં હવે સરકાર કેટલાક પગલા દેખાડા ખાતર લઈ રહી છે. મહાશિવરાત્રિનો પર્વ ભારત અને ગુજરાતમાં ભક્તિભાવ સાથે ઉજવાય છે. રાજ્યમાં અનેક જગ્યાએ પુજાવિધિ, અભિષેક, ધીના કમળ ચઢાવવા તથા ભજન કિર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જૂનાગઢના ભવનાથની તળેટીમાં વર્ષોથી મહાશિવરાત્રીએ મેળાનું આોજન થાય છે. જેમાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. જૂનાગઢના ભવનાથ મેળાનું સમગ્ર રાજ્યમાં ખાસ મહત્વ છે. આ દિવસે અહીં ભજન, કિર્તન અને ભક્તિમાં ખોવાઈ જઈને ભક્તો પુણ્ય કમાતા હોય છે.
પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે કલેક્ટરે મેળો નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીની અધ્યક્ષતામાં મેયર, ગીરનાર મંડળના મહારાજ સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં તા.7 માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો રદ કરવા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠકને અંતે તે અંગે જાહેરાત પણ કરાઈ હતી. જોકે, સાધુ-સંતો દ્વારા મેળાની ધાર્મિક પરંપરા જાળવાશે. ઉપરાંત મંદિરે પૂજા અર્ચનાના કાર્યક્રમો રાબેતા મુજબ થશે. માત્ર મેળાનું આયોજન રદ કરાયું છે. મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવશે. તેમજ સાધુ સંતો દ્વારા મહાશિરાત્રીના રાત્રે રવેડી પણ નિકળશે. શાહીસ્નાન અને પરંપરાગત પુજાવિધીની પરંપરા જળવાઈ તે માટેના કાર્યક્રમ પર કોઈ બાધ રખાઈ નથી.