શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પીએમસી બેંક સ્કેમ કેસની તપાસના સંદર્ભમાં ફરી સમન્સ મોકલ્યું છે. વર્ષા રાઉતને 29 ડિસેમ્બરના રોજ પૂછપરછ માટે ઇડીએ બોલાવતા રાજકારણ પણ ગરમાયું છે. ઈડી આ બધી કાર્યવાહી ભાજપને ઈશારે કરી રહી હોવાનો આરોપ પણ ઉઠી રહ્યા છે.
2019માં આરબીઆઈને પીએમસી બેંકે એક રિયલ એસ્ટેટ ડેવલપરને લગભગ 6500 કરોડની લોન આપવા માટે બોગસ ખાતાઓનો ઉપયોગ કર્યો હોવાની માહિતી મળી હતી. જે બાદ આરબીઆઈએ આ બેંકમાંથી પૈસા ઉપાડવા પર મર્યાદા મુકી દીધી હતી. ત્યારબાદ ઇડીએ મની લોન્ડરિંગ તપાસ પણ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બેંકના ભૂતપૂર્વ એમડી અને પૂર્વ ચેરમેન તેમજ બેંકના ઘણા વરિષ્ઠ અધિકારીઓની પણ ધરપકડ કરાઈ હતી. રવિવારે ઈડીએ સમન્સ મોકલ્યા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરી ઘટનાને સમર્થન આપ્યું હતુ.
પીએમસી બેંક કૌભાંડમાં ઈડીએ આરોપ મુક્યો છે કે, વર્ષા રાઉતે પ્રવીણ રાઉત નામના અન્ય આરોપીની પત્ની સાથે 50 લાખ રૂપિયાનો વ્યવહાર કર્યો હતો. આ લેણદેણના સંદર્ભમાં વર્ષા રાઉતની પુછપરછ આવશ્યક છે. પ્રવિણ રાઉતની ઇડી દ્વારા થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ઇડી પ્રવીણના ખાતામાંથી વર્ષા રાઉતના એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન થયું છે તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
જો કે, વર્ષા રાઉતે અગાઉ જવાબ આપતા નોંધાવ્યું હતુ કે, આ નાણા મિલકત ખરીદવા માટે ઉધાર લેવામાં આવ્યા છે. તેથી નાણાકીય વ્યવહારમાં કોઈ પણ રીતે ગેરકાયદે કામ નથી થયું. ઇડીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પીએમસી બેંક કૌભાંડ કેસમાં તપાસમાં જોડાવા મોકલેલા સમન્સ પાછળ હેરાનગતિનો ઉદ્દેશ્ય હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઇડીના સમન્સ બાદ સંજય રાઉતે કરેલા ટ્વીટમાં તેણે હતુ લખ્યું કે, “ આ દેખેં જરા, કિસમે હૈ કિતના દમ, જમકે રખના કદમ મેરે સાથિયા. ”
આ કેસમાં ત્રીજી વખત ઇડીએ વર્ષા રાઉતને સમન્સ મોકલ્યું છે. નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ સતત ત્રણ સમન્સ અવગણે તો ઇડી તે વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. આ મુદ્દે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે, મેં સંજય રાઉત પરિવારને ઇડીની નોટિસ વિશે સાંભળ્યું હતું. રાઉતે તેમનો પરિવાર લાભાર્થી રહ્યો છે કે કેમ ? તે અંગે ફોડ પાડવો જોઈએ. “ ભાજપના નેતા રામ કદમે કહ્યું હતુ કે આ કાર્યવાહી રાજકીય બદલાની ભાવના સાથે નથી થઈ રહી. મહારાષ્ટ્ર સરકાર પોલીસ અને અધિકારીઓ દ્વારા કેટલાક લોકો સામે કાર્યવાહી કરે છે અને બીજાઓના મકાનો તોડે છે, ત્યારે તેઓ આવું બોલતા નથી, પરંતુ જ્યારે કેન્દ્રની એજન્સી સંજય રાઉતના પરિવારને નોટિસ મોકલે છે, ત્યારે તેને બદલાની કાર્યવાહી કહેવામાં આવે છે.