ભારતમાં કોરોનાની બીજી લહેરના ઘાતક પરિણામોથી હવે સરકારને માથે સોશિયલ મીડિયામાં માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવીને આકરા તેવર દાખવ્યા છે. ભારતમાં છેલ્લા 20 દિવસથી સરેરાશ બેથી અઢી લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે જ દરરોજ હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. હવે આ સ્થિતિ માટે જવાબદાર કોણ તે વિશે પણ ચર્ચા થવા માંડી છે. સોશિયલ મીડિયામાં આ મુદ્દે સરકાર અને રાજકીય પાર્ટીઓ જવાબદાર હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે. ત્યારે સોમવારે મદ્રાસ હાઈ કોર્ટે આ સ્થિતિ માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવીને ખખડાવ્યું હતુ.
કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણીઓ માટે રેલીઓ કરવાની મંજૂરી આપવાને લઇને પંચની ટીકા કરી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, સ્થિતિ હવે અસ્તિત્વ અને સુરક્ષાની છે. ત્યારબાદ બધું આવે છે. સુનાવણી દરમ્યાન રાજ્યના સ્વાસ્થ્ય સચિવના પરામર્શ બાદ હાઇકોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો કે મતગણતરીના દિવસે કોવિડ પ્રોટોકોલ લાગૂ કરવાની યોજનાને 30 એપ્રિલના દિવસે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જીએ એક સુનાવણી કરતા કહ્યું હતુ કે, ભારત દેશમાં કોરોનાની વકરી ચુકેલી પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે ચૂંટણી પંચના અધિકારીઓ જવાબદાર છે. ચૂંટણી વખતે રાજકીય પાર્ટી અને કાર્યકરોને અપાયેલી વધુ છુટછાટે દાટ વાળ્યો છે. આથી ચૂંટણી પંચના અધિકારીઓની સામે હત્યાના આરોપો પર કેસ નોંધાવો જોઇએ. કોર્ટ મામલાની વેબસાઇટ લાઇવ લૉના મતે મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જીએ ભારતીય ચૂંટણી પંચને કહ્યું કે, તમારી સંસ્થા સ્વાયત્ત છે. આમ છતાં તમે ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓને કોઈ પાબંધી રાખી ન હતી. જે કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે.
મદ્રાસ હાઇકોર્ટે આ સાથે જ ચેતવણી આપી હતી કે, જો બીજી મેના રોજ પંચ કોરોના પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય યોજના ન બનાવશે તો મતગણતરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવાશે. મુખ્ય ન્યાયાધીશે ચૂંટણી પંચને પૂછયું કે શું તમે બીજા કોઇ ગ્રહ પર હતા, જ્યારે ચૂંટણી રેલીઓનું આયોજન કરાયું હતું ? હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ECને ચેતવણી સાથે જણાવ્યું હતુ કે, લોકોનું સ્વાસ્થય સૌથી અગત્યની બાબત છે. સંવૈધાનિક અધિકારીઓએ આ વાતો યાદ રાખવી જોઈએ. તમારે કોઈ રાજકીય પક્ષની વાતોમાં આવવું જોઈએ નહીં. જ્યારે કોઇ જીવતું રહેશો તો તમે, તમારા લોકતાંત્રિક અધિકારોનો લાભ ઉઠાવી શકશો.