કોરોનાના કેસ વધતા સુરતમાં હોટેલ-રેસ્ટોરાં માટે તંત્રએ કર્યો આ આદેશ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થતાં જ લોકોના અપેક્ષા મુજબ ફરી કોરાનાના કેસ બતાવવાનું તંત્રએ શરૃ કરી દીધું છે. મંગળવારે સુરતના શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા હતા. સુરત મનપાના અઠવા અને રાંદેર ઝોન ગણાતા વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યાનું આરોગ્ય વિભાગ કહી રહ્યો છે. હવે શહેરમાં સ્થિતિ વધુ ગંભીર નહીં બને તે માટે તંત્ર દ્વારા પ્રતિબંધોને નામે પણ નાટક ચાલુ કરી દેવાયા છે. કોરોનાના જે વિસ્તારમાં વધુ કેસ આવ્યાનો દાવો તંત્ર કરી રહ્યું છે તે વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોનના બેનરો લગાડાયા છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ હોટેલ અને રેસ્ટોરાં માટે એક ગાઈડલાઈન જારી કરી છે. જેમાં ગ્રાહકોને પાર્સલ આપવા સુચના અપાઈ છે. સાથે જ હોટેલમાં સોશિયલ ડીસ્ટનન્સ જળવાય તે માટે સ્ટાફને તકેદારી રાખવા આદેશ કરાયો છે. એસએમસીના જાહેરનામા મુજબ કોરોના વાયરસની પરિસ્થિતિને નિયંત્રિત કરવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.
અગાઉ સરકાર દ્વારા તબકકાવાર વિવિધ પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે પરંતુ લોકો કોવિડ-19ની ગાઈડલાઈનનું યોગ્ય પાલન કરતા નથી. તેને કારણે કેસમાં ઉછાળો આવ્યો છે. વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘણું વધારે છે. જેથી હોટેલ / રેસ્ટોરાંમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે ખૂબ જ જરૂરી છે. જાહેરનામામાં વધુમાં જણાવાયું છે કે, કારીગરોનું સ્ક્રીનીંગ કરાવવું તેમજ તેઓનો સ્ટેટિક સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. કર્મચારીઓ ફરજિયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે તથા ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે. હોટેલ / રેસ્ટોરાંમાં આવતા લોકો એક સાથે ભોજન કરશે. તો સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી હોટેલ અને રેસ્ટોરાંના સંચાલકોએ પણ શહેરના લોકોને હોટેલની અંદર બેસાડી જમાડવાને બદલે પાર્સલ ડિલિવરી સિસ્ટમથી જ નાસ્તો, લંચ અને ડીનર આપવાનું રહેશે.
આ SOPના ભંગ બદલ કાર્યવાહી કરવાની ચીમકી પણ જાહેરનામામા અપાઈ છે.