ગુજરાતના બુદ્ધિજીવી વર્ગની આશંકા આખરે સાચી પડી છે. મોટા 6 શહેરોમાં મ્યનિસિપલ કાઉન્સિલની ચૂંટણી સંપન્ન થતાં જ અમદાવાદમાં દંડ વસુલી અભિયાનમાં પોલીસ જોતરાઈ ગઈ છે. રાજકીય પક્ષો તેમજ નેતાઓને ખુશ કરવા માટે ચુંટણી દરમિયાનના પાંચ છ દિવસ અમદાવાદ પોલીસે માસ્ક વગરના લોકોને દંડ કર્યો ન હતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયાના બીજા જ દિવસે ૬૩ લોકોને માસ્ક વગર ફરતા ઝડપી પાડયા હતા. તેમની પાસેથી પોલીસે કુલ ૬૩ હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં 20 દિવસથી ચૂંટણીના કારણે ઠેર ઠેર ટોળા થતા હતા. રેલીઓ નિકળી હતી. આ સમયે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા સહિતની જોગવાઈનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હતુ. આ તમામ દ્રશ્યો ગુજરાતમાં શહેર પોલીસે મુકપ્રેક્ષક બનીને જોયા હતા. જાહેરનામા ભંગની એકપણ ફરિયાદ નોંધી ન હતી. જો કે, પોલીસે સરકારની તિજોરી ભરવા માટે ફરી અભિયાન શરૃ કરી દીધું છે. બેરોજગારો, વેપારીઓ અને નોકરીયાતોને ફરીથી એક વાર સરકારને વ્હાલા થવા માટે દંડની પ્રકિયા ચાલુ કરી દીધી છે. જો કે, પોલીસે ચૂંટણીના બંદોબસ્તમાં હોવાથી દંડ વસુલવાનું બંધ કરી દીધું હતુ. દરમિયાન ૨૧મી ફ્રેબુઆરીએ માસ્ક વગરના ફરતા માત્ર ચાર લોકો પોલીસની નજરે ચડયા હતા. જે બાદ 22મીથી ફરી અમદાવાદ પોલીસને માસ્ક વગર ફરતા લોકો દેખાવા માંડ્યા છે. પોલીસની આ નીતિ સામે લોકોમાં ભારોભાર નારાજગી ફેલાઈ રહી છે. મતગણતરીના દિવસે શહેરમાં પોલીસે માસ્કના દંડ ઉઘરાવતાં કેટલાક પોઇન્ટ પણ બંધ કરી દીધા હતા. જે પછી વિજય સરઘસમાં માસ્ક વગરના રાજકારણી, રાજકીય પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ગુજરાતમાં મોટાભાગના લોકોને હવે એવી પણ આશંકા છે કે, ચૂંટણીમાં સ્વાર્થ સધાય જતા સરકાર હવે કોરોનાના કેસનો સાચો આંકડો પણ જાહેર કરશે.