ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પુરી થતાં જ કોરોનાએ ફુંફાડો માર્યો છે. જો કે, દિવાળીની જેમ ચૂંટણી સમયે અપાયેલી છુટછાટોને કારણે રાજ્યના મોટાભાગના લોકો માની રહ્યા હતા કે, ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવશે. કારણ કે, ચૂંટણીને કારણે સરકારે રેલીઓ, સભાઓને આડેધડ મંજૂરી આપી દીધી હતી. જયારે મતદાન મથકો પર વ્યવસ્થા છતાં મતદાન માટે ટોળા જામ્યા હતા. હવે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ જતાં જ કોરોના પોઝિટિવ કેસ ઝડપથી આગળ વધી રહ્યા છે. બુધવારે ગુજરાતમાં કોરોના કેસના ગ્રાફમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં 24 કલાકમા જ કોવિડ-19ના નવા 475 કેસ નોંધાયા હતા. આ સાથે જ 1 કોરોનાગ્રસ્તનું મોત થયું હતુ.
બુધવારે અમદાવાદમાં સૌથી વધુ 115 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પૃષ્ટિ થઈ હતી. જયારે સુરતમાં કોરોનાના 96, વડોદરામાં 94, રાજકોટમાં 65, ભાવનગરમાં 14, જામનગરમાં 1 અને આણંદમાં 7 કેસ નોંધાયા હતા. એ જ રીતે કચ્છ અને મહેસાણામાં 7 – 7 કેસ, ખેડા તથા પંચમહાલમાં 6–6 કેસ અને ગાંધીનગરમાં 10 નાગરિકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ જ સમયમાં જુનાગઢમાં 9 કેસ, સાબરકાંઠા 4 કેસ, મોરબીમાં 3 કેસ, ભરૂચ, બોટાદ, નર્મદા, નવસારી અને વલસાડમાં 2 – 2 કેસ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથમાં 1–1 કેસ નોંધાયો હતો. આ ઉપરાંત મહિસાગર, પાટણ અને પોરબંદરમાં પણ કોરોનાથી 1–1 નાગરિક સંક્રમિત થયાનું નોંધાયું હતુ. મળતી વિગતો મુજબ બુધવારે હોસ્પિટલમાંથી 358 દર્દીઓને રિકવરી આવતા રજા અપાઈ હતી. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો 97.40 ટકા છે. રાજ્યમાં છોટા ઉદેપુર, ડાંગ, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામા કોરોનાનો કોઈ કેસ મળ્યો ન હતો.